પોરબંદરમાં ઉમ્મતી ટ્રસ્ટ દ્વારા સમૂહ શાદીનું આયોજન:16 મેના રોજ નિકાહ ખ્વાની અને દાવત-એ-ન્યાઝ યોજાશે

Gujarat5/12/2026, 12:54:52 PM
પોરબંદરમાં ઉમ્મતી ટ્રસ્ટ દ્વારા સમૂહ શાદીનું આયોજન:16 મેના રોજ નિકાહ ખ્વાની અને દાવત-એ-ન્યાઝ યોજાશે
ઉમ્મતી એન્ડ ઉન્નતી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પોરબંદર શહેરમાં સમૂહ શાદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. 16 મે, 2026, શનિવારના રોજ યોજાશે. નિકાહ ખ્વાની સાંજે 7:30 કલાકે ચોપાટી પાર્ટી પ્લોટ, ચોપાટી મેઈન રોડ, પોરબંદર ખાતે થશે, જ્યારે રાત્રે 9:00 કલાકે દાવત-એ-ન્યાઝનું આયોજન કરાયું છે. આ પ્રસંગે રહેબરે કોમો મિલ્લત સૈયદ મોહંમદ ઇકબાલ બાપુ તિરમીઝીના માર્ગદર્શન હેઠળ તથા ખલીફા-એ-તાજુશરીઆ -વ- રફીકે મિલ્લત સૈયદ સઆદતઅલી બાપુ કાદરીની સદારત અને ખિતાબત હેઠળ કાર્યક્રમ યોજાશે. સૈયદ ગુલામબાપુ કાદરી, સૈયદ જલાલ બાપુ બુખારી, હાફીઝો કારી ઈલયાસ સાહેબ, સૈયદ હુસૈન બાપુ, હાફિઝ સૈયદ અલીરઝા, હાફીઝો કારી ઉસ્માની કાદરી સહિત સુન્ની મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને ઉલેમા-એ-કિરામની ઉપસ્થિતિ રહેશે. આયોજકો દ્વારા જણાવાયું છે કે આ સમૂહ શાદી માત્ર લગ્ન પ્રસંગ નહીં, પરંતુ સમાજમાં એકતા, સહકાર અને ભાઈચારાનો સંદેશ આપતું એક ઉમદા સામાજિક કાર્ય છે. કાર્યક્રમમાં પોરબંદર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વાદ પાઠવશે. વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર “યુ એન્ડ યુ ગ્રુપ” દ્વારા છેલ્લા અનેક વર્ષોથી વિવિધ સેવાકીય અને માનવતાવાદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ ટ્રસ્ટનું પૂરું નામ ઉમ્મતી એન્ડ ઉન્નતી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ છે. વર્ષ 2008માં મુસ્લિમ સમાજમાં સૌપ્રથમ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2010થી દર વર્ષે સમૂહ ખતનાનું આયોજન કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓને “યુ એન્ડ યુ મેડિકલ કાર્ડ" મારફતે નિઃશુલ્ક ચેકઅપ, આંખના ઓપરેશન, રાહતદરે દવાખાનું, જાહેર મેડિકલ કેમ્પ અને હિજામા કેમ્પ જેવી સેવાઓ આપવામાં આવે છે. ઉપરાંત, આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સ્કૂલ ફી, યુનિફોર્મ, નોટબુક અને શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં આવે છે. રમઝાન માસ દરમિયાન 250થી વધુ પરિવારોને રાશન કિટનું વિતરણ, જરૂરિયાતમંદોને ધંધા-રોજગાર માટે આર્થિક સહાય તેમજ “આખરી સફર" અંતર્ગત મૈયત તદફીન માટે ફ્રી બસ સેવા જેવી પ્રવૃત્તિઓ પણ ટ્રસ્ટ દ્વારા સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ એજાઝ હબીબભાઈ લોધીયા, ટ્રસ્ટીઓ તેમજ યુ એન્ડ યુ ગ્રુપના કાર્યકરો દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. આયોજકોએ સમાજના તમામ સહયોગીઓ, દાતાઓ અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
Read Original Article →