દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો:પોરબંદર LCBએ ભાણવડ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપીને ઝડપ્યો
પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલીસ અધીક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે 16 મે, 2026 થી 30 મે, 2026 સુધી એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ અંતર્ગત LCB ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન, હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પરમાર, જીતુભાઈ દાસા અને પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણને મળેલી સંયુક્ત હકીકત અને ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ભાણવડ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપી ભીખુ ઉર્ફે રમજાન કાસમભાઈ બાબર (ઉંમર 35 વર્ષ) ને પોરબંદરના બોખીરા સરકારી આવાસ બ્લોક નં. 18, મકાન નં. 2 પાસેથી પકડી પાડવામાં આવ્યો હતો. LCBએ આરોપીની BNSS કલમ 35(1) મુજબ ધોરણસર અટકાયત કરી છે. તેને આગળની કાર્યવાહી માટે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, તેમજ આ અંગે ભાણવડ પોલીસને પણ જાણ કરવામાં આવી છે.
Read Original Article →