પોરબંદરમાં PGVCL પોલમાંથી ફ્યુઝ ચોરાયા:ખાપટની 25થી વધુ સોસાયટીઓમાં વીજળી ગુલ

Gujarat6/5/2026, 8:05:10 AM
પોરબંદરમાં PGVCL પોલમાંથી ફ્યુઝ ચોરાયા:ખાપટની 25થી વધુ સોસાયટીઓમાં વીજળી ગુલ
પોરબંદરના ખાપટ વિસ્તારમાં PGVCLના વીજ પોલમાંથી ફ્યુઝ ચોરાઈ જતાં 25થી વધુ સોસાયટીઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટનાને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ, રાત્રે 2 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી આ વિશાળ વિસ્તારમાં વીજળી ગુલ રહી હતી. શરૂઆતમાં સ્થાનિકોને કોઈ ટેકનિકલ ખામી હોવાનું લાગ્યું હતું, પરંતુ સતત ફોલ્ટ રહેતા PGVCL કંટ્રોલ રૂમનો સંપર્ક કરાતા ફ્યુઝ ચોરીની વિગતો સામે આવી હતી. PGVCLના અધિકારીઓએ જણાવ્યું કે, તસ્કરોએ એક કે બે નહીં, પરંતુ અલગ-અલગ પાંચ જેટલા વીજ પોલમાંથી ફ્યુઝની ચોરી કરી હતી. આ કારણે સમગ્ર ખાપટ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. લોકોનો આક્ષેપ છે કે, પોલીસનું નાઇટ પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ છે અને વિસ્તારમાં રાત્રિના સમયે લુખ્ખા તથા આવારા તત્વોનો ત્રાસ વધી ગયો છે. સ્થાનિકોએ પોલીસને રાત્રિના સમયે ખાપટ વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધરવા અને PGVCLના પોલમાંથી ફ્યુઝ ચોરી કરનારા શખ્સોને વહેલી તકે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.
Read Original Article →