પોરબંદર જેટી પર આતંકી ઘૂસણખોરી રોકવા મોકડ્રીલ:પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત અભ્યાસ કર્યો
પોરબંદર જિલ્લાના ઓલ વેધર પોર્ટ જેટી ખાતે સંભવિત આતંકી ઘૂસણખોરી અને મહત્વના સ્થાપનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક સંયુક્ત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલમાં જિલ્લા પોલીસ, સુરક્ષા દળો અને વિવિધ ગુપ્તચર એજન્સીઓ જોડાઈ હતી. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ અભ્યાસ યોજાયો હતો. તેમાં આતંકવાદીઓ દરિયાઈ માર્ગે પોર્ટ પર હુમલો કરવાની યોજના ધરાવતા હોવાની કાલ્પનિક પરિસ્થિતિ ઉભી કરવામાં આવી હતી. પોલીસ કંટ્રોલ રૂમમાંથી લોગ મેસેજ મળતા જ હાર્બર મરીન પોલીસ, એસઓજી, એસસીબી, કમલાબાગ-ઉદ્યોગનગર સાયબર પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, એસક્યુઆરટી સ્ટાફ તેમજ અન્ય સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા તાત્કાલિક નાકાબંધી અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમિયાન, નંબર પ્લેટ વગરની કાળા રંગની ટોયોટા અર્બન ક્રુઝર કારને શંકાસ્પદ વાહન તરીકે ઓળખી રેડ ફોર્સ ટીમે તેને ઝડપી પાડી હતી. આ સમગ્ર કાર્યવાહી પોલીસ અને સુરક્ષા એજન્સીઓની પ્રતિસાદ ક્ષમતા, સંકલન અને સતર્કતા ચકાસવા માટે કરવામાં આવી હતી. આ મોકડ્રીલમાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →