પોરબંદરના બળેજમાં ખનીજ માફિયાઓ પર તંત્રનો દરોડો:રાત્રિ દરોડામાં ગેરકાયદે ખનનની 6 ચક્કરડી સીઝ કરાઈ; સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેશે

Gujarat6/5/2026, 11:32:07 AM
પોરબંદરના બળેજમાં ખનીજ માફિયાઓ પર તંત્રનો દરોડો:રાત્રિ દરોડામાં ગેરકાયદે ખનનની 6 ચક્કરડી સીઝ કરાઈ; સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેશે
પોરબંદર જિલ્લામાં બિલ્ડિંગ લાઈમસ્ટોન (ઇમારતી પથ્થર) ના ગેરકાયદેસર ખનન અને વહનની વ્યાપક ફરિયાદો વચ્ચે વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ પોરબંદર પ્રાંત અધિકારી અને પોરબંદર ગ્રામ્ય મામલતદારની સંયુક્ત ટીમે રાત્રિના સમયે ઓચિંતો દરોડો પાડી ગેરકાયદેસર ખનનનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. મળતી વિગતો મુજબ, પોરબંદર તાલુકાના બળેજ ગામ ખાતે મોટા પાયે ગેરકાયદેસર ખનન થતું હોવાની ચોક્કસ બાતમી તંત્રને મળી હતી. આ બાતમીના આધારે તાજેતરમાં રાત્રિના સમયે પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે બળેજ ગામમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન બળેજ ગામની સીમમાં બે અલગ-અલગ સ્થળોએ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ રંગેહાથ ઝડપાઈ ગઈ હતી. ટીમે સ્થળ પરથી પથ્થર કાપવા માટે વપરાતી કુલ ૬ ચક્કરડી (મશીન) જપ્ત (સીઝ) કરી છે. તંત્ર દ્વારા જપ્ત કરાયેલા તમામ મશીનો અને સંબંધિત મુદ્દામાલને દંડનીય તથા કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે ખાણ અને ખનિજ વિભાગ (ભૂસ્તર વિજ્ઞાન કચેરી) ની ટીમને સોંપવામાં આવ્યો છે. વહીવટી તંત્રની આ કાર્યવાહીને પગલે પંથકના ખનીજ માફિયાઓમાં ચિંતા વ્યાપી છે. આગામી દિવસોમાં પણ કલેક્ટરના આદેશથી આવી સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે.
Read Original Article →