પોરબંદરમાં 3.1 કિલો ગાંજા સાથે એક ઝડપાયો:પોલીસે ₹1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, 3 આરોપી વોન્ટેડ

Gujarat6/4/2026, 9:35:21 AM
પોરબંદરમાં 3.1 કિલો ગાંજા સાથે એક ઝડપાયો:પોલીસે ₹1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, 3 આરોપી વોન્ટેડ
પોરબંદર એસ.ઓ.જી. ટીમે મહારાણા મીલ વિસ્તારમાં આવેલી ચાલી નં. 2માંથી 3.104 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આશરે ₹1.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે વધુ ત્રણ વોન્ટેડ આરોપીઓને શોધવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોરબંદર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મહારાણા મીલની ચાલી નં. 2 ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે મધ્યપ્રદેશના રહેવાસી રાજેશકુમાર આશારામ લોધી નામના ઇસમને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે રાજેશકુમાર લોધી પાસેથી 3.104 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા ગાંજા અને અન્ય મુદ્દામાલની કુલ કિંમત આશરે ₹1.60 લાખ આંકવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ગાંજાનો આ જથ્થો અન્ય સાગરીતો સાથે મળીને વેચાણ માટે રાખવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી રાજેશકુમાર આશારામ લોધીની ધરપકડ કરી છે. તપાસમાં વધુ ત્રણ આરોપીઓની સંડોવણી બહાર આવતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસ હાલમાં ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના મારફતે સપ્લાય કરવામાં આવ્યો હતો અને જિલ્લામાં નશીલા પદાર્થોના નેટવર્ક સાથે આરોપીઓના કોઈ સંબંધ છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
Read Original Article →