પોરબંદર મહાનગરપાલિકા ચૂંટણીમાંત્રિપાંખિયો જંગ:ભાજપ, કોંગ્રેસ અને AAP ફોર્મ ભરવાના છેલ્લા દિવસે શક્તિ પ્રદર્શન; 13 વોર્ડની 52 બેઠકો માટે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી

Gujarat4/11/2026, 1:38:13 PM
પોરબંદર મહાનગરપાલિકા ચૂંટણીમાંત્રિપાંખિયો જંગ:ભાજપ, કોંગ્રેસ અને AAP ફોર્મ ભરવાના છેલ્લા દિવસે શક્તિ પ્રદર્શન; 13 વોર્ડની 52 બેઠકો માટે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી
પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીનો રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કલેક્ટર કચેરી ખાતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરોની ભારે ભીડ ઉમટી પડી હતી. કેસરીયા ખેસ, ત્રિરંગા અને ઝાડુના પ્રતીકો સાથે નીકળેલા રેલી સ્વરૂપી કાફલાઓએ શહેરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ત્રણેય મુખ્ય પક્ષોએ જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કરતા પોરબંદરમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાય તેવા સંકેતો મળી રહ્યા છે. ભાજપ: 52 બેઠકો પર જીતનો નિર્ધાર ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસવાદને મુખ્ય મુદ્દો બનાવી શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી છે. નગરપાલિકાના તમામ 13 વોર્ડની કુલ 52 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ભાજપના અગ્રણીઓએ દાવો કર્યો છે કે જનતા વિકાસની રાજનીતિની સાથે છે અને આ વખતે પણ તમામ 52 બેઠકો પર ભગવો લહેરાશે. સંગઠન શક્તિ અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓના આધારે ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે. કોંગ્રેસ: 30 વર્ષના શાસન સામે પરિવર્તનનો નારો બીજી તરફ, કોંગ્રેસે ભાજપના 30 વર્ષના શાસન પર આકરા પ્રહારો કર્યા છે. વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના ઉમેદવારે જણાવ્યું કે, ભાજપના આંતરિક જૂથવાદ અને વિખવાદને કારણે પ્રજાના કામો અટવાયા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષ પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહ્યો છે, જેના કારણે જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે મતદારો આ વખતે પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને નગરપાલિકામાં 100% કોંગ્રેસનું શાસન આવશે. AAP: શિક્ષિત ચહેરાઓ અને ત્રીજો વિકલ્પ આમ આદમી પાર્ટીએ આ વખતે પોરબંદરમાં શિક્ષિત અને નવા ચહેરાઓને મેદાનમાં ઉતારીને રસાકસી વધારી દીધી છે. જાણીતા શિક્ષણશાસ્ત્રી ડૉ. નૂતન ગોકાણીએ સત્તાવાર રીતે રાજકારણમાં પ્રવેશતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. ડૉ. ગોકાણીએ આ પદાર્પણને પોતાની 'અનુભવ ગાથા'ની શરૂઆત ગણાવી હતી. AAP દ્વારા 10 જેટલી પેનલોમાં ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે, જે પરંપરાગત મતોમાં ગાબડું પાડી ત્રીજા મજબૂત વિકલ્પ તરીકે ઉભરી શકે છે. રાજકીય પડકારો અને તકો નગરપાલિકાની આ ચૂંટણીમાં એક તરફ ભાજપ પાસે વિકાસનો મુદ્દો છે, તો બીજી તરફ કોંગ્રેસ શાસન વિરોધી લહેરનો લાભ લેવા મથામણ કરી રહી છે. આ સ્થિતિમાં 'આપ'ના શિક્ષિત ઉમેદવારો કેવું પ્રદર્શન કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. પ્રજા વિકાસને મત આપશે કે પરિવર્તનને, તે તો ચૂંટણીના પરિણામો જ સ્પષ્ટ કરશે.
Read Original Article →