પોરબંદર ક્રાઈમ અપડેટ:ટૂર પેકેજ કૌભાંડ અને સાયબર ક્રાઈમના આરોપીઓ ઝડપાયા; દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો

Gujarat4/5/2026, 1:52:19 PM
પોરબંદર ક્રાઈમ અપડેટ:ટૂર પેકેજ કૌભાંડ અને સાયબર ક્રાઈમના આરોપીઓ ઝડપાયા; દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો
પોરબંદર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા જિલ્લામાં ગુનાખોરી ડામવા માટે સતત અને સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં પોલીસે અલગ-અલગ ત્રણ મોટા ગુનાઓમાં કડક કાર્યવાહી કરી છે, જેમાં 4 વર્ષથી ફરાર છેતરપિંડીના આરોપીની ધરપકડ, દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ અને સાયબર ક્રાઈમનો ભેદ ઉકેલવાનો સમાવેશ થાય છે. 4 વર્ષથી ફરાર ટૂર પેકેજ કૌભાંડી અમદાવાદથી ઝડપાયો પોરબંદર LCBએ લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા એક ભેજાબાજને ઝડપી પાડ્યો છે. વર્ષ 2022માં આરોપીએ પોરબંદરની કંસાર હોટલના મીટિંગ હોલમાં ફરિયાદીઓને બોલાવી 'ધ રોયલ રેજીસ હોસ્પિટાલિટી' કંપનીના નામે આકર્ષક ટૂર પેકેજની સ્કીમ સમજાવી હતી. ખોટા એગ્રીમેન્ટ બનાવી ક્રેડિટ કાર્ડ મારફતે રૂ.3.50 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ અંગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં IPC ની કલમ 406, 420 અને 120બી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જુનાગઢ રેન્જ IG અને પોરબંદર SPના માર્ગદર્શન હેઠળ LCBને બાતમી મળી હતી કે આરોપી અમદાવાદના નરોડા-કઠવાડા વિસ્તારમાં છુપાયો છે. પોલીસે દરોડો પાડી આરોપી પુરણસિંગ ઉર્ફે આશુ રાજપુત (ઉ.વ.29)ને ઝડપી પાડી કમલાબાગ પોલીસને સોંપ્યો છે. કાદીનેશ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પોરબંદર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે LCBની ટીમ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાટવાણા ગામ નજીક કાદીનેશથી 200 મીટર દૂર ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે ત્રાટકી હતી. સ્થળ પરથી 90 લીટર દેશી દારૂ અને 1400 લીટર આથો, પ્લાસ્ટિકના બેરલ અને પતરાના બોઇલર સહિત કુલ રૂ.59,905નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની રેડ દરમિયાન આરોપી મેરા દાનાભાઇ કટારા (રહે. કાટવાણા) સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બગવદર પોલીસ સ્ટેશનમાં તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી સઘન તલાશી શરૂ કરવામાં આવી છે. પત્ની અને સાળાના નામે ફેક ID બનાવી બદનામ કરનાર આરોપીની ધરપકડ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી પોતાના જ પરિવારને બદનામ કરવાના એક ચોંકાવનારા કિસ્સામાં સાયબર ક્રાઈમ પોલીસે સફળતા મેળવી છે. આરોપી ભાવેશ રામભાઈ ઝાલાએ ફેસબુક પર "Nilam Bhavesh Zala" અને "Mokariya Lalo" નામે ફેક આઈડી બનાવ્યા હતા અને તેમાંથી તેની પત્ની અને સાળાના અંગત ફોટા વાયરલ કર્યા હતા. ટેકનિકલ પુરાવાઓના આધારે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરી અને 5 એપ્રિલ,2026 ના રોજ જુનાગઢના મધુરમ વિસ્તારમાંથી આરોપી ભાવેશ રામભાઈ ઝાલા (ઉ.વ.36)ની ધરપકડ કરી. આરોપી વિરુદ્ધ BNS એક્ટ 2023ની કલમ 79, 316(2) તથા આઈ.ટી. એક્ટ 2000ની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →