પોરબંદર દરિયાકાંઠેથી ચરસનો જથ્થો મળ્યો:રૂ. 3 લાખથી વધુની કિંમતનું 1 કિલો 215 ગ્રામ ચરસ જપ્ત

Gujarat5/16/2026, 2:44:30 PM
પોરબંદર દરિયાકાંઠેથી ચરસનો જથ્થો મળ્યો:રૂ. 3 લાખથી વધુની કિંમતનું 1 કિલો 215 ગ્રામ ચરસ જપ્ત
પોરબંદર દરિયાકાંઠેથી ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે. પોરબંદર એસ.ઓ.જી. અને મિયાણી મરીન પોલીસે રાતડી ગામના દરિયાકિનારેથી 1 કિલો 215 ગ્રામ વજનનો બીનવારસી ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની બજાર કિંમત રૂ. 3,03,750/- આંકવામાં આવી છે. આ ઘટનાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દરિયાકાંઠા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા દેશવિરોધી તત્વોના ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે આવા જથ્થા દરિયામાં ફેંકી દેવામાં આવતા હોવાની શક્યતા છે. પોલીસ ઇન્સપેક્ટર એમ.એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ મિયાણી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના દરિયાકિનારે પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એ.એસ.આઈ. રવિન્દ્ર ચાઉ, પો.હેડ કોન્સ્ટેબલ મોહિત ગોરાણીયા, અરજન ઓડેદરા અને દિલીપ મોઢવાડીયાને મળેલી બાતમીના આધારે સ્થળ પર તપાસ કરાઈ હતી. તપાસમાં એક શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું, જેમાંથી 1 કિલો 215 ગ્રામ વજનનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ બનાવ અંગે મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં એ.એસ.આઈ. મહેબુબખાન બેલીમ, દિપકભાઈ ડાકી, ભરતસિંહ ગોહીલ, હરદાસભાઈ ગરચર, ભીમભાઈ ઓડેદરા, સરમણભાઈ ખુંટી અને ડ્રાઇવર પો.હેડ કોન્સ્ટેબલ ગીરીશભાઈ વાજા સહિતનો સ્ટાફ જોડાયો હતો. પોરબંદર પોલીસે જાહેર જનતા અને ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારના માછીમાર ભાઈઓને અપીલ કરી છે કે, જો દરિયાકિનારે કોઈ શંકાસ્પદ પેકેટ અથવા બીનવારસી વસ્તુ દેખાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન, પોલીસ કંટ્રોલ રૂમ નં. 02862 2240922 અથવા કોસ્ટલ સિક્યુરિટી ટોલ ફ્રી નંબર 1093 પર જાણ કરવી.
Read Original Article →