ભાજપના 7 ઉમેદવારો ચૂંટણી પહેલા જ બિનહરીફ:પોરબંદર મહાનગરપાલિકા વોર્ડ 12ની 4, તાલુકા પંચાયતની 3 બેઠકો પર જીત

Gujarat4/11/2026, 2:34:26 PM
ભાજપના 7 ઉમેદવારો ચૂંટણી પહેલા જ બિનહરીફ:પોરબંદર મહાનગરપાલિકા વોર્ડ 12ની 4, તાલુકા પંચાયતની 3 બેઠકો પર જીત
પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાત ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આમાં પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ની ચાર બેઠકો અને પોરબંદર તાલુકા પંચાયતની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે. પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદની આ પ્રથમ ચૂંટણી છે. વોર્ડ નંબર 12માં ભાજપે વર્ષાબેન જયેશભાઈ કારાવદરા, મધુબેન સતીષકુમાર જોષી, જયભાઈ રાજશીભાઈ ચૌહાણ અને રણમલભાઈ મેપાભાઈ ઓડેદરાને ઉમેદવાર બનાવ્યા હતા. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષ કે અપક્ષ દ્વારા ફોર્મ ન ભરાતા આ ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા હતા. ભોજાભાઈ કાનાભાઈ ખૂંટી અને લાખાભાઈ ભોજાભાઈ ખૂંટીએ આ બેઠકો બિનહરીફ થાય તે માટે પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત, પોરબંદર તાલુકા પંચાયતની ત્રણ બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જેમાં ગોસા સીટ પર લાખાભાઈ વાઘાભાઈ કોડીયાતર, રાતિયા સીટ પર સંતોકબેન ભોળાભાઈ દાસા અને રોજીવાડા સીટ પર વાલીબેન કેશુભાઈ ઓડેદરાનો સમાવેશ થાય છે. ચૂંટણી પૂર્વે જ ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીતને પગલે જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી સહિતના આગેવાનોએ બિનહરીફ જાહેર થયેલા તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી.
Read Original Article →