10થી વધુ ગામના લોકો પરેશાન:રાણા કંડોરણા બેંક ઓફ બરોડામાં સ્ટાફનો અભાવ
રાણાવાવના રાણા કંડોરણા ખાતે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં સ્ટાફની અછતને કારણે વહીવટ રામભરોસે ચાલતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. શાખા સાથે જોડાયેલા રાણા કંડોરણા સહિત ઠોયાણા, ભોડાદાર, મહિરા, વડોત્રા, ખીજદડ, બાપોદર અને વડવાળા જેવા 10થી વધુ ગામોના હજારો ખાતેદારો હાલ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સમસ્યા લાંબા સમયથી યથાવત રહેતાં ગ્રામજનો રોષે ભરાયા છે. પૂરતા કર્મચારીઓના અભાવે સામાન્ય કામકાજ પણ મુશ્કેલ બન્યું છે. બેંકમાં સ્ટાફ પૂરતો ન હોવાને કારણે એન્ટ્રી પડાવવી, રોકડ જમા કરાવવી, રૂપિયા ઉપાડવા સહિતના સામાન્ય કામ માટે પણ ખાતેદારોને કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે. ઘણીવાર આખો દિવસ રાહ જો્યા બાદ પણ કામ પૂર્ણ ન થતાં બેંકના ગ્રાહકો નિરાશ થઈ ઘરે પરત ફરતા હોવાનું પણ ગ્રાહકોએ જણાવ્યું હતું. હાલ ખેતીની સીઝન અને સરકારી યોજનાઓના કામકાજ ચાલી રહ્યા હોવાથી દૂરદૂરના ગામોમાંથી આવતા ખેડૂતોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે. ખાતેદારોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી જણાવ્યું હતુ કે, અનેકવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. ગ્રામજનોએ ઉચ્ચારી તાળાબંધીની ચીમકી ગ્રામજનોએ માંગ કરી છે કે બેંક ઓફ બરોડાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ધોરણે રાણા કંડોરણા શાખામાં વધારાનો સ્ટાફ ફાળવે અને ગ્રામીણ ગ્રાહકોને પડતી હાલાકીનો કાયમી ઉકેલ લાવે. અન્યથા આગામી દિવસોમાં આસપાસના ગામોના લોકો દ્વારા ઉગ્ર આંદોલન સાથે બેંકને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી, ઠોયાણા ગામના આગેવાન મેરુભાઈ ઓડેદરાએ મેનેજરને પત્ર પાઠવ્યો છે.
Read Original Article →