ધીમી કામગીરીથી લોકો પરેશાન:એસટી ડેપો પાસે પેવરબ્લોકની કામગીરી ગોકળગાયની ગતિએ

Gujarat5/12/2026, 12:52:33 AM
ધીમી કામગીરીથી લોકો પરેશાન:એસટી ડેપો પાસે પેવરબ્લોકની કામગીરી ગોકળગાયની ગતિએ
શહેરના મુખ્ય એસ.ટી. ડેપો પાસે ફૂટપાથ પર પેવરબ્લોક નાખવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતી હોવાથી સ્થાનિકો અને ખાસ કરીને રિક્ષાચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની નિષ્ક્રિયતાને કારણે ‘ગોકળ ગાયની ગતિ’એ ચાલતું આ કામ હવે લોકો માટે માથાનો દુખાવો બની ગયું છે. પોરબંદર શહેરના એસ.ટી. ડેપો જેવો વ્યસ્ત વિસ્તાર હોવા છતાં ફૂટપાથના નવીનીકરણનું કામ કાચબા ગતિએ ચાલી રહ્યું છે. રસ્તા પર ઠેર-ઠેર ખોદકામ અને પેવરબ્લોકના ઢગલા પડ્યા હોવાથી ટ્રાફિકની સમસ્યા વકરી છે. સૌથી વધુ હાલાકી અહીં વર્ષોથી વ્યવસાય કરતા રિક્ષાચાલકોને ભોગવવી પડી રહી છે. રિક્ષા પાર્ક કરવાની જગ્યા ન મળતા અને રસ્તો સાંકડો થઈ જવાથી મુસાફરોને બેસાડવામાં પણ મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક રિક્ષાચાલકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "કામ શરૂ કર્યાને લાંબો સમય વીતી ગયો છે, છતાં હજુ સુધી કોઈ અંત દેખાતો નથી. અડધું પડધું કામ છોડી દેવાતા અકસ્માતનો ભય પણ રહે છે. ત્યારે આ કામ તાત્કાલિક પૂર્ણ કરવા માંગ કરી હતી. તો ડેપોની મુલાકાતે આવતા મુસાફરોને પણ ધૂળ અને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર ઊંઘમાંથી જાગીને આ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરાવે તેવી લોક માંગ પ્રબળ બની છે.
Read Original Article →