રાજકોટ ચેરિટી કમિશનરનો ચુકાદો‎:પોરબંદર ચેમ્બરની 45 દિવસમાં ચૂંટણી કરવા આદેશ કરાયો

Gujarat5/15/2026, 12:00:00 AM
રાજકોટ ચેરિટી કમિશનરનો ચુકાદો‎:પોરબંદર ચેમ્બરની 45 દિવસમાં ચૂંટણી કરવા આદેશ કરાયો
પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સના વિવાદનો આખરે અંત આવ્યો છે. રાજકોટ ચેરિટી કમિશનરમાં 7 વ્યક્તિ સામે ફરિયાદ કરનાર નલિન કાનાણી અને તેની ટીમ તરફે ચુકાદો આવ્યો છે. નલીનભાઇ સહિત 5 ટ્રસ્ટી અરજદારને હાલ ચેમ્બરની વહીવટ સંભાળવા અને 45 દિવસમાં ચૂંટણીનું આયોજન કરી દેવા ચુકાદો આપવામાં આવ્યો છે. પોરબંદરમાં ઘણા સમયથી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં પ્રમુખ તરીકેનો વિવાદ વકર્યો હતો. ટ્રસ્ટી નલિન કાનાણી અને તેની ટીમ તેમજ ચૂંટણીમાં વિજેતા થયેલ જીગ્નેશ કારિયાની ટીમ સામેના આ વિવાદનો અંત આવ્યો છે. ટ્રસ્ટી નલિન કાનાણીએ જણાવ્યું હતુ કે, 2024માં ચેમ્બરની ચૂંટણીમાં તેમના અને તેની સાથેના ટ્રસ્ટી સહિત 10 ટીમના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા, જેથી નલિન કાનાણી સહિતના 10 અરજદારો દ્વારા ચેરિટી કમિશનર રાજકોટમાં પોરબંદર ચેમ્બરમાં ચૂંટણી અધ્યક્ષ, જીગ્નેશ કારિયા, માનદ મંત્રી સહિત 7 સામે ફરિયાદ કરી હતી. 6 માસ સુધી સામાપક્ષે નોટીશ સ્વીકારી ન હતી જેથી નલિન કાનાણીના પક્ષે રૂબરૂ જઈને નોટીશ બજાવવા ગયા હતા અને સોગંદનામું કરીને નોટીશ બજાવી હતી. એ નોટીશની બજવણી બાદ કેસ ચાલ્યો હતો. નવા જજ આવ્યા અને તેઓએ આ કેસમાં અભ્યાસ કરી ચુકાદો આપ્યો છે. જેમાં એ ચૂંટણી અને એના પછીની ચૂંટણી રદ કરવી તેમજ હવે નવેસરથી નલિન કાનાણી સહિત 5 ટ્રસ્ટી અરજદાર ચેમ્બરનો વહીવટ સંભાળે તેમજ 45 દિવસમાં નલિન કાનાણી સહિતના તેની ટીમ દ્વારા બંધારણ અને જોગવાઈ મુજબ જનરલ સભા બોલાવવાની અને ચૂંટણીનું આયોજન કરવા અને ત્યાં સુધી અન્ય કોઈ દખલગીરી ન કરે તેમજ ચૂંટણી યોજી નવી બોડીને કામગીરી સોંપવા આદેશ કર્યો છે તેવું નલિન કાનાણીએ જણાવ્યું છે. મુદ્દો પોલીસ સુધી પહોંચ્યો હતો ઉલ્લેખનીય છે કે, ચેમ્બર ઓફ કોમર્સમાં ગત તા.15/2ના રોજ નલિન કાનાણી સહિતની ટીમ ચેમ્બરનો કબ્જો મેળવવા પહોંચ્યા હતા, તેઓએ જણાવ્યું હતુ કે, મુખ્ય ટ્રસ્ટી નલિન કાનાણી છે જ્યારે સામાપક્ષે ચૂંટણીમાં વિજેતા બનનાર પ્રમુખ જીગ્નેશ કારિયા અને તેની ટીમે પણ પોતે પ્રમુખ હોવાનો દાવો કરતા સામસામે તકરાર થઈ હતી જેથી આ બંને પક્ષ કમલાબાગ પોલીસ સ્ટેશને પહોચ્યા હતા.
Read Original Article →