મ્યુનિસિપલ કમિશનરે આંગણવાડીની સરપ્રાઇઝ વિઝિટ કરી:વનાણા આંગણવાડીમાં પીસીસી તોડી નવેસરથી કરવા આદેશ, બાંધકામની ગુણવત્તા અને સ્ટાફની જવાબદારી નક્કી કરાશે
પોરબંદરના વનાણા વિસ્તારમાં સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નિર્માણાધીન આંગણવાડીના બાંધકામ દરમિયાન ગુણવત્તા સંબંધિત ગંભીર ખામીઓ સામે આવતા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિએ કડક વલણ અપનાવ્યું છે. સ્થળ મુલાકાત દરમિયાન ફાઉન્ડેશનમાં ચાલી રહેલા પીસીસી (પ્લેઈન સિમેન્ટ કોન્ક્રિટ)ના કામમાં ગુણવત્તાનો અભાવ તેમજ લાઈન-લેવલની ક્ષતિઓ જોવા મળતા કમિશનરે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તપાસ દરમિયાન બાંધકામના પાયાના કામમાં જરૂરી તકનિકી ધોરણોનું પાલન ન થયાનું જણાતા ખામીયુક્ત પીસીસી દૂર કરી સંપૂર્ણ કામગીરી ફરીથી કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. કમિશનરે જણાવ્યું હતું કે જાહેર નાણાંમાંથી થતાં વિકાસ કાર્યોમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે હલકી ગુણવત્તાનું કામ ચલાવી લેવામાં આવશે નહીં. બાંધકામની ગુણવત્તા અંગે જવાબદાર એજન્સીઓ અને તકનિકી સ્ટાફની જવાબદારી પણ નિશ્ચિત કરવામાં આવશે તેવું કમિશનરે જણાવ્યું હતું. કમિશનરની સૂચના મળ્યા બાદ સંબંધિત એજન્સી દ્વારા સ્થળ પર તાત્કાલિક સુધારાત્મક કામગીરી શરૂ કરવામાં આવી હતી. આંગણવાડીના બાંધકામમાં જરૂરી તકનિકી માપદંડોનું પાલન થાય તે માટે ઇજનેરી શાખાના અધિકારીઓને સતત દેખરેખ રાખવા જણાવાયું છે. સાથે જ કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય અને ભવિષ્યમાં આવી ખામીઓ ફરી ન સર્જાય તે માટે વિશેષ મોનિટરિંગ વ્યવસ્થા ગોઠવવા પણ સૂચના આપવામાં આવી છે.
Read Original Article →