માધવપુરમાં મહિલાઓ દ્વારા દારૂના ધંધાર્થીઓ પર રેડ:પોલીસ પર 'હપ્તા સિસ્ટમ'ને કારણે નિષ્ક્રિયતા'નો આરોપ લગાવ્યો; વીડિયો વાયરલ
પોરબંદર જિલ્લાના માધવપુરમાં મહિલાઓએ દારૂના વેચાણ સામે 'જનતા રેડ' કરી હતી. તેમણે દારૂના ધંધાર્થીઓને પકડી પોલીસને સોંપ્યા હતા. આ દરમિયાન મહિલાઓએ પોલીસ પર 'હપ્તા સિસ્ટમ'ને કારણે નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો હતો, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મહિલાઓએ પોલીસકર્મીઓને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેમની 'હપ્તા સિસ્ટમ'ને કારણે બુટલેગરોને છૂટો દોર મળ્યો છે. તેમણે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, જો પોલીસ કાર્યવાહી ન કરી શકે, તો તેઓ ફોટા અને વીડિયો પુરાવા તરીકે આપવા તૈયાર છે.
મહિલાઓએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ફરિયાદો કરવા છતાં પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, જો ઘરની સામે દારૂ વેચાતો હોય અને પોલીસ કશું ન કરે તો આવા વાતાવરણમાં શું કરવું. પોલીસે "અમે કેસ કરીએ જ છીએ" કહી બચાવ કરવાનો પ્રયાસ કરતા મહિલાઓએ આક્રોશપૂર્વક કહ્યું કે, માધવપુરમાં દૂધ નથી મળતું એટલો દારૂ મળે છે. માધવપુર જેવી જ પરિસ્થિતિ પોરબંદર શહેરમાં પણ જોવા મળી રહી છે. શહેરના કીર્તિમંદિર આસપાસના વિસ્તારો, ખારવાવાડની શેરીઓ, મીલપરા, કડીયાપ્લોટ, ઝુંડાલા, વીરડીપ્લોટ, વણકરવાસ, જલારામ કોલોનીનો ખાડીકાંઠો અને બોખીરાની આવાસ યોજના સહિતના મોટાભાગના વિસ્તારોમાં દારૂનો ધંધો બેફામ રીતે ચાલી રહ્યો છે. ફિશિંગ બોટની નીચે દારૂનું વેચાણ થતું હોવાના અનેક વીડિયો પણ પોરબંદર શહેરના જૂના અને નવા વિસ્તારોમાંથી સામે આવ્યા છે. આ સમગ્ર પરિસ્થિતિને જોતા પોરબંદર જિલ્લા પોલીસે દારૂના ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવી અત્યંત જરૂરી બની છે.
Read Original Article →