કામની ગુણવત્તા અને સમયમર્યાદા જાળવવા સૂચના:કમલાબાગના ડેવલોપમેન્ટની કામગીરીનું કમિશનરે નિરીક્ષણ કર્યું
પોરબંદર શહેરના ઐતિહાસિક કમલાબાગ ખાતે ચાલી રહેલા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીનું મનપાના મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિએ સ્થળ નિરીક્ષણ કરી સમીક્ષા કરી હતી. આ દરમિયાન બાંધકામ શાખાના અધિકારીઓ, એન્જિનિયરો તથા કામગીરી સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કમિશનરે પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલા વિવિધ કામોની પ્રગતિ, બાંધકામની ગુણવત્તા અને કાર્યપદ્ધતિની સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓ અને એજન્સીને તમામ કામગીરી નિર્ધારિત ધોરણો મુજબ અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. મનપા દ્વારા રૂ.2.74 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ પ્રોજેક્ટ હેઠળ કમલાબાગનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં લેન્ડસ્કેપિંગ, હરિયાળી વિકાસ, વોકવે, પેબલ સ્ટોન પાથવે, ગ્રાસ પેવિંગ બ્લોક્સ અને બેઠક વ્યવસ્થાની સુવિધા ઊભી કરવામાં આવશે. ઉપરાંત રોઝ ગાર્ડન પણ વિકસાવવામાં આવશે, જે પ્રકૃતિપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણ બનશે. સ્થળ નિરીક્ષણ દરમિયાન કમિશનરે કામગીરીની ગુણવત્તા જાળવવા અને વિકાસ કાર્યોમાં કોઈ બેદરકારી ન રાખવા ભાર મૂક્યો હતો. સાથે જ પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સંબંધિત એજન્સી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કમલાબાગમાં ઉમેરાશે નવી સુવિધાઓ કમલાબાગ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત મુલાકાતીઓ માટે અનેક નવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. તેમાં ચિલ્ડ્રન પ્લે એરિયા, ચિલ્ડ્રન પ્લે ફાઉન્ટેન, યોગા ગાર્ડન, ફૂડ કોર્ટ અને સુવ્યવસ્થિત પાર્કિંગનો સમાવેશ થાય છે. ઉપરાંત રાત્રિના સમયે સુરક્ષા અને પ્રકાશ વ્યવસ્થા માટે સીસીટીવી કેમેરા, સાઉન્ડ સિસ્ટમ, બોલાર્ડ લાઇટ્સ, સ્પોટ લાઇટ્સ અને આધુનિક એલઈડી લાઇટિંગ પણ ગોઠવવામાં આવશે. બાગમાં ગઝેબો, સુશોભિત પ્રવેશદ્વાર અને વિવિધ ડેકોરેટિવ એનિમલ સ્કલ્પચર્સ પણ સ્થાપિત કરવામાં આવશે.
Read Original Article →