ભાસ્કર ફોલોઅપ:ગુજ્સીટોક : પોરબંદરની મયુર ઉર્ફે મયલો ગેંગના આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર
પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર રોડ આશાપુરા ચોક વિસ્તારમાં રહેતો ગેંગ લીડર આરોપી મયુર ઉર્ફે મયલો હરદાસ ઓડેદરા ગેંગ લીડર મયુર ઉર્ફે મયલો (37) અને તેની ટોળકી વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ- 2015 હેઠળ ગુન્હો નોંધાયો છે. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ છે. ઉદ્યોગનગર અને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા તાજેતરના ગુન્હાઓ બાદ એલસીબી પીઆઈ આર.કે. કાંબરીયા દ્વારા તપાસ કરતા આ ગેંગ દ્વારા હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, અપહરણ, ગેરકાયદેસર હથિયારો રાખવા, ઘરફોડ ચોરી સહિતના ગંભીર ગુન્હાઓ આચરવામાં આવ્યા છે. ટોળકીના સભ્યો દ્વારા ભય અને દહેશત ફેલાવી વિસ્તાર પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો, જેના કારણે સામાન્ય નાગરિકો ફરિયાદ કરતા પણ ગભરાતા હતા. ગેંગ સામે પોરબંદર જિલ્લાના વિવિધ પોલીસ મથક ઉપરાંત રાજકોટ દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લામાં કુલ 55થી વધુ ગુન્હાઓ નોંધાયેલા હોવાને આધારે ગુજસીટોક હેઠળ કાર્યવાહી માટે દરખાસ્ત મોકલવામાં આવી હતી. જેને મંજૂરી મળતા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પોરબંદરના આશાપુરા ચોકડી વિસ્તારમાં રહેતો મયુર ઉર્ફે મયલો હરદાસ ઓડેદરા, વિશાલ ઉર્ફે વાકીડોક નાગાજણ ગોરાણીયા, માલદે ઉર્ફે જગીરો રામ કુછડિયા અને રવિ કિસા મૂછાર વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુન્હામાં આરોપીને ઝડપી લેવા એલસીબી પીઆઈ આર. કે. કાંબરીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલ બાતમી આધારે એલસીબીએ વનાણા ટોલનાકા પાસેથી પસાર થયેલ GJ 18 BE 7508 નંબરની કાર માંથી ચારેય આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં ફરિયાદી આર.કે. કાંબરીયા અને તપાસ અધિકારી તરીકે ડીવાયએસપી ધ્રુવલ સુતરીયા છે. અધિકારીએ કાર્યવાહી કરી રિમાન્ડની માંગ કરતા કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સૌરાષ્ટ્રમાં ગુજસીટોક કોર્ટ રાજકોટ ખાતે છે
ગુજસીટોક હેઠળ પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં 6 ગુન્હા નોંધવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં એકજ ગુજસીટોક કોર્ટ રાજકોટ ખાતે છે. આ ગુન્હામાં પણ અધિકારીઓ દ્વારા રાજકોટ ગુજસીટોક કોર્ટમાં આરોપીઓને રજૂ કરી રિમાન્ડની માંગ કરતા કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજસીટોક હેઠળના ગુન્હામાં સમગ્ર કેસ રાજકોટની ગુજસીટોક કોર્ટમાં ચાલે છે.
Read Original Article →