ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું 26 એપ્રિલે મતદાન:રાજ્યમાં આચાર સંહિતા લાગુ, મતગણતરી 28 એપ્રિલે
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ ચૂંટણી માટે ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ મતદાન થશે અને ૨૮ એપ્રિલ, ૨૦૨૬ના રોજ મતગણતરી હાથ ધરાશે. આ જાહેરાત સાથે જ સંબંધિત વિસ્તારોમાં ૦૧ એપ્રિલ, ૨૦૨૬થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે. મતદારોની આખરી યાદી પણ ૦૧ એપ્રિલ, ૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, ૦૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ, ૨૦૨૬ છે, જ્યારે ૧૩ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે. ઉમેદવારી ખેંચવાની અંતિમ તારીખ ૧૫ એપ્રિલ, ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. મતદાન ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી યોજાશે. આ ચૂંટણીઓમાં રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૫૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ૧૧ નગરપાલિકાઓની ખાલી પડેલી ૧૩ બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાશે. પોરબંદર જિલ્લામાં ચૂંટણીની તૈયારીઓ તેજ બની છે. જિલ્લાની પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતોમાં કુલ ૨૮૭ મતદાન મથકો પર ૨,૩૪,૯૧૦ મતદારો નોંધાયેલા છે. પોરબંદર મહાનગરપાલિકાના ૧૩ વોર્ડમાં ૧૯૧ મતદાન મથકો પર ૧,૬૬,૮૭૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાણાવાવ નગરપાલિકાના વોર્ડ નંબર ૬ અને કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર ૬માં પણ પેટા ચૂંટણી યોજાશે. આચાર સંહિતાના કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ચૂંટણી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કે રજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકાર દ્વારા કોઈ નવી યોજનાઓ, નાણાકીય ગ્રાન્ટ કે મતદારોને લોભાવતી જાહેરાતો કરી શકાશે નહીં. આ નિયમોનું પાલન ૨૮ એપ્રિલ, ૨૦૨૬ના રોજ પરિણામની જાહેરાત થાય ત્યાં સુધી ફરજિયાત રહેશે.
Read Original Article →