પોરબંદરમાં ડીઝલની ભારે અછત:મનપાની કામગીરી ખોરવાઈ જવાની ભીતિ, વાહનોમાં માત્ર 2 દિવસ ચાલે તેટલો જ જથ્થો બાકી
શહેરમાં સર્જાયેલી ડીઝલની તીવ્ર અછતના કારણે મહાનગરપાલિકાના વાહનોના પૈડાં થંભી જવાની ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ છે. હાલમાં મનપાના સેનિટેશન વિભાગ અને ઇલેક્ટ્રિક વિભાગના વાહનોમાં માત્ર આગામી 2 દિવસ ચાલે તેટલો જ ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે. જો આગામી સમયમાં પૂરતો જથ્થો નહીં મળે તો મનપાની આવશ્યક સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મનપાના વાહનોને ડીઝલ પૂરું પાડતા નિયત પેટ્રોલ પંપ પર પૂરતો પુરવઠો આવી રહ્યો નથી. પરિણામે પંપ સંચાલકો દ્વારા હાલમાં મનપાના વાહનોને મર્યાદિત જથ્થામાં જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. અછતની સૌથી માઠી અસર ઇમરજન્સી કામગીરી પર પડી રહી છે, જેમાં હાલ 2 જે.સી.બી. અને 1 ડંફરને અપૂરતા ડીઝલના જથ્થા સાથે જેમતેમ ચલાવવામાં આવી રહ્યા છે.પરંતુ ડીઝલના ટૂંકા પુરવઠાને કારણે સેનિટેશન અને લાઇટિંગ વ્યવસ્થા ખોરવાય તેવી કટોકટી ઊભી થઈ છે. તંત્ર દ્વારા આ મામલે સત્વરે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો શહેરીજનોને ગંદકી અને અંધારપટ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. મનપા પાસે કેટલા વાહનો ઉપલબ્ધ
હાલમાં મનપા હસ્તક સફાઈ અને અન્ય જાળવણી માટે 38 છોટા હાથી, 20 ટ્રેક્ટર, 2 ડંફર, 5 જે.સી.બી., 3 ડસ્ટબિન ઉપાડવાની ગાડી અને ઇલેક્ટ્રિક વિભાગના 4 વાહનો ઉપલબ્ધ છે. આ તમામ વાહનો શહેરની રોજબરોજની સુવિધા માટે અત્યંત મહત્વના છે.
Read Original Article →