તંત્ર નિંદ્રાધીન:મોટીઝરીમાં ખેતરમાં નમી ગયેલા વીજ વાયરો ખેડૂતોને જાતે ઉંચા કરવાનો વારો
નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપનીનો અંધેર વહીવટ ફરી એકવાર સામે આવ્યો છે. મોટીઝરીના ખેડૂતે તેના ખેતરમાં નમી ગયેલ વીજ વાયરો ઉંચા કરવા અરજી આપ્યાને બે મહિના થવા છતાં વીજ કંપનીના ઇજનેરો ધ્યાન નહીં આપતાં, ખેતીનો સમય આવતાં આખરે ખેડૂતે જાતે લાકડાના ટેકે વીજ વાયરો ઉંચા કરવાનો વારો આવ્યો હતો. નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપનીમાં ખેડૂતો હોય કે અન્ય વીજ ગ્રાહકો ગમે તેટલા ધક્કા ખાય તોય વીજ કચેરીના ઇજનેરો ગ્રાહકોનું કામ સમયસર કરતા નથી તેવી વાતો વહેતી થઇ છે. મોટીઝરી ગામના ખેડૂત તેના ખેતરમાંથી પસાર થતી એચ ટી વીજ લાઇનના વાયરો નમી ગયા હોઇ જેમ તેમ કરી જીવના જોખમે ખેતી કરતો હતો. વીજ વાયરો વધુ નીચે આવતાં ખેડૂતને ખેતી કામમાં તેમજ ટ્રેક્ટર પસાર કરવા જેવી મુશ્કેલી પડતાં તેણે વીજ કંપનીમાં વાયરો ઉંચા કરવા લેખિતમાં અરજી આપી હતી. આ અરજી આપ્યાને બે મહિના થવા છતાં વીજ વાયરો ઉંચા ન કરાતાં ખેડૂત વીજ કચેરીએ ગયો હતો. કેટલાય ધક્કા ખાધા છતાં કોઇ ઇજનેરોએ ધ્યાન ન આપતાં, ખેતી કરવાનો સમય આવતાં આખરે ના છૂટક જાતે નમી ગયેલા વાયરોને નીચે લાકડાના ટેકા મારી ઉંચા કરવાનો વારો આવ્યો હતો. નસવાડીના ઇજનેરો આવી બાબત ધ્યાને ના લેતા હોય ત્યારે એમજીવીસીએલના કાર્યપાલક ઇજનેર એક દિવસ ગ્રાહકોને પડતી મુશ્કેલી બાબતે નસવાડી વીજ કમ્પ્લેન સેન્ટર અને વીજ કચેરીની મુલાકાત લે તે જરૂરી બન્યું છે. અગાઉ વીજ કરંટ લાગ્યો હતો, ફરી કોઇ દુર્ઘટના ના બને તે માટે જાતે વાયરો ઉંચા કર્યા
અરજી આપી છતાં હજુસુધી કોઇ આવ્યું નથી આવું કેવું કેમ? ઉચ્ચ અધિકારીઓ ધ્યાન નથી આપતા. અગાઉ વીજ કરંટ લાગ્યો હતો ત્યારે એક મહિલા બચી ગઇ હતી. હવે વાયરો ઉંચા કરવા કોઇ ન આવ્યું તો કરવાનું શું? એટલે લાકડાના ટેકા માર્યા છે. ખેતી કામ કરતાં કોઇ ઘટના બને તો શું થાય. વીજ કચેરીથી કોઇ વીજ વાયરો ઉંચા કરવા આવે તો સારું. બાકી હવે કોને રજૂઆત કરવા જઇએ. આ તો અમારા ખેતરમાંથી લાઈન જાય છે, એટલે અમારે વેઠવાનું અને મરવાનું એવું થયું. > અલ્કેશ રાઠવા, વીજ ગ્રાહક, મોટીઝરી
Read Original Article →