પોરબંદર મનપા દ્વારા કાર્યવાહી:કચરો રસ્તા પર ફેંકતા વાડી સંચાલકને 2 હજારનો દંડ
પોરબંદરમાં શહેરની સ્વચ્છતા જાળવવા મનપા દ્વારા ગંદકી ફેલાવનાર તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેવામાં કીર્તિમંદિર સામે આવેલ દશા શ્રીમાળી વાડીના સંચાલકને જાહેર સ્થળે એઠવાડ સહિતનો કચરો ફેંકવા બદલ રૂ. 2000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. વોર્ડ નં. 6 વિસ્તારમાં આવેલી દશા શ્રીમાળી વાડી પ્રસંગ નિમિત્તે ભાડે આપવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વાડીના પાછળના ભાગે આવેલા કેદારેશ્વર મંદિર પાસેના ચોક વિસ્તારમાં બીજા ગેટ મારફતે બહોળા પ્રમાણમાં એઠવાડ સહિતનો કચરો ઠાલવવામાં આવ્યો હતો. જેના કારણે આસપાસ ગંદકી ફેલાતા સ્થાનિક વેપારીઓએ મનપામાં ફરિયાદ નોંધાવી હતી. મનપાના સેનિટેશન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાહેર સ્થળે કચરો ફેંકાયાની ઘટના સામે આવતા વાડી સંચાલક સામે કાર્યવાહી કરી રૂ. 2000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. પોરબંદર મનપાએ નાગરિકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા તેમજ શહેરની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે. સાથે જ સ્વચ્છતા નિયમોનો ભંગ કરનાર સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે. થોડા સમય પહેલા શોરૂમના સંચાલક દંડાયા હતા
પોરબંદરમાં વોર્ડ નં. 3 વિસ્તારમાં તા. 30/4ના રોજ ચકાસણી દરમિયાન લાભ હોન્ડા શો-રૂમ દ્વારા જાહેરમાં કચરો ફેંકવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું, ઉપરાંત રીનોવેશન પછી ઉત્પન્ન થયેલો કાટમાળ પણ જાહેર સ્થળે નાંખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ બાબતને ગંભીરતાથી લઈ મનપા ટીમે સંબંધિત શો-રૂમને રૂ. 2000નો દંડ ફટકાર્યો હતો.
Read Original Article →