ભેજ ઘટવા છતાં અસહ્ય અકળામણ:પોરબંદર લોથપોથ: સોમવારે પારો 35.8 ડિગ્રીએ પહોંચતાં આકરો તાપ
પોરબંદરમાં ઉનાળાનો મિજાજ વધુ આકરો બની રહ્યો છે. રવિવારની સરખામણીએ સોમવારે તાપમાનમાં ઉછાળો આવતાં શહેરીજનોએ કાળઝાળ ગરમી અને બફારાનો સામનો કરવો પડ્યો હતો. બપોરના સમયે અસહ્ય તાપને કારણે લોકો અકળાઈ ઉઠ્યા હતા. હવામાન વિભાગના આંકડા મુજબ, પોરબંદરમાં રવિવારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 62 ટકા રહ્યું હતું. તેની સામે સોમવારે હવામાનમાં પલટો આવ્યો હતો અને મહત્તમ તાપમાન 0.8 ડિગ્રી વધીને 35.8 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જો કે, લઘુત્તમ તાપમાન સામાન્ય ઘટીને 28.6 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ 4 ટકાના ઘટાડા સાથે 58 ટકા નોંધાયું છે. તાપથી બચવા લોકો ઘરોમાં કેદ છેલ્લા બે દિવસથી પડી રહેલી ગરમીને પગલે પંથકમાં આકરો તાપ અનુભવાઈ રહ્યો છે. સોમવારે અઠવાડિયાના પ્રથમ દિવસે જ સવારથી જ ગરમીનો પારો ઉંચકાયો હતો. બપોર થતાં જ અસહ્ય હીટ-વેવ જેવી સ્થિતિ સર્જાતા લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું હતું. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણા, તરબૂચ અને શેરડીના રસના ચગડોળે ચડ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં હજુ પણ તાપમાનનો પારો ઊંચો જઈ શકે છે.
Read Original Article →