66 કેવી લાઇનના વાયરીંગ કામે વિવાદ:બગવદરમાં જેટકો અને ખેડૂતો આમને-સામને

Gujarat5/15/2026, 12:00:00 AM
66 કેવી લાઇનના વાયરીંગ કામે વિવાદ:બગવદરમાં જેટકો અને ખેડૂતો આમને-સામને
બગવદર ગામના વાડી વિસ્તારમાં રહેતા નાથાભાઈ માંડણભાઈ ગોઢાણીયા, નાગાભાઈ માંડણભાઈ તેમજ સાજણ કારા નામના ખેડૂતોના ખેતરોમાંથી જેટકો કંપની દ્વારા 66 કેવી લાઇનનું કામ હાથ ધરાયું હતું. આ દરમિયાન ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો તંગ બન્યો હતો. જેટકો કંપનીના નાયબ ઈજનેર જે.એચ. અજુડીયાએ જણાવ્યું હતું કે બગવદર પાવર સબ સ્ટેશનમાં લોડ વધારો થતા મંજૂર થયેલી સ્કીમ મુજબ હાલની રાણાવાવ-બગવદર 66 કેવી લાઇનની ખાલી સર્કિટમાં વાયર બાંધવાનું કામ ચાલી રહ્યું છે. મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને અંદાજે પોણો કિલોમીટર જેટલું વાયરીંગ બાકી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હયાત કોરિડોરમાં કામ થતું હોવાથી પાકને થતી નુકસાની અંગે સરકારના પરિપત્ર અને વીજ અધિનિયમ મુજબ વળતર ચૂકવવાની જોગવાઈ છે. જોકે ખેડૂતોનો આક્ષેપ છે કે કોઈપણ પ્રકારનું પૂર્વ વળતર આપ્યા વગર કામ શરૂ કરવામાં આવ્યું છે, જે તેમને સ્વીકાર્ય નથી. ખેડૂતોના વિરોધ વચ્ચે જેટકો દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ મુદ્દે એડવોકેટ મહેન્દ્રભાઈ ગોઢાણીયાએ વાંધો ઉઠાવી જણાવ્યું હતું કે પોલીસ પ્રોટેક્શનની મુદત નવેમ્બર-2025માં પૂર્ણ થઈ ગઈ છે. બીજી તરફ બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એ. ઝાલાએ જણાવ્યું હતું કે જેટકો કંપનીએ અગાઉ 10 દિવસ માટે પોલીસ પ્રોટેક્શનની ફી જમા કરાવી હતી. જેમાંથી બે દિવસનો ઉપયોગ થઈ ચૂક્યો હતો, જ્યારે બાકીના દિવસો સ્થાનિક ચૂંટણીઓ અને અન્ય ફરજોને કારણે આપી શકાયા ન હતા. હાલ બાકી રહેલા દિવસોના આધારે આજે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે અને હજુ છ દિવસનું પ્રોટેક્શન બાકી છે. પરિસ્થિતિ વધુ બગડે નહીં તે માટે પોલીસે બે ખેડૂતોને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ સ્ટેશન ખાતે બેસાડવાની કાર્યવાહી કરી હતી. ગાંધી ચિંધ્યા માર્ગે અનશન આંદોલનની ચિમકી ખેડૂતોને સાથે રાખીને બપોર બાદ પોરબંદર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે. જો યોગ્ય સહકાર નહીં મળે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે અનશન આંદોલન કરશે. ખેડૂતોને યોગ્ય વળતર મળ્યા બાદ જ જેટકો કંપનીને વાયરીંગનું કામ કરવા દેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. > મહેન્દ્રભાઈ ગોઢાણીયા, એડવોકેટ
Read Original Article →