ભાસ્કર એક્સક્લુસિવ:મનપામાં પોર્ટલનું કામ કાચબા ગતિએ ચાલતા 45‎દિવસથી ટેક્સ કલેક્શન બંધ : સત્તાધીશો મૌન‎

Gujarat5/15/2026, 12:00:00 AM
ભાસ્કર એક્સક્લુસિવ:મનપામાં પોર્ટલનું કામ કાચબા ગતિએ ચાલતા 45‎દિવસથી ટેક્સ કલેક્શન બંધ : સત્તાધીશો મૌન‎
પોરબંદર પાલિકામાંથી મનપા બની છે તેને દોઢ વર્ષ થવા આવ્યું છે. ત્યારે હાલ 1 એપ્રિલથી રો ઉઘરાવવાની કામગીરી ઠપ્પ થઈ છે. દોઢ માસથી વેરો ભરવા માટે અરજદારો આવે છે પરંતુ "પોર્ટલ બને છે" તેવું કહી દેવામાં આવે છે, જેથી અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે. મનપાનું નવું પોર્ટલ રહી-રહીને બનાવવામાં આવ્યું છે અને હજુ સુધી તૈયાર થયું નથી. હાઉસ ટેક્સની પહોંચ જરૂરી હોય પરંતુ પોર્ટલનું કામ કાચબા ગતિએ ચાલતા 45 દિવસથી ટેક્સ કલેક્શન બંધ છતાં સત્તાધીશો મૌન બન્યા છે અને અરજદારો મુશ્કેલી વેઠી રહ્યા છે. પોરબંદર મહાનગરપાલિકામાં 1 એપ્રિલથી વેરો ઉઘરાવવાની કામગીરી બંધ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે શહેરના નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. દર વર્ષે 31 માર્ચે નાણાકીય વર્ષ પૂર્ણ થતાં નવા વર્ષ માટે હાઉસ ટેક્સ સહિતના વેરા જનરેટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, પરંતુ આ વર્ષે દોઢ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી બિલ તૈયાર થયા નથી. મનપાની આ ઢીલી કામગીરીના કારણે હાઉસ ટેક્સ ભરવા ઈચ્છુક અરજદારોને ખાલી હાથે પરત ફરવું પડે છે. ઘણા નાગરિકો નિયમિત રીતે સમયસર વેરો ભરવા માંગે છે, પરંતુ બિલ ન હોવાને કારણે તેઓ ચુકવણી કરી શકતા નથી. શહેરમાં મિલ્કત ખરીદી-વેચાણ, લોન પ્રક્રિયા, દસ્તાવેજી કામો માટે હાઉસ ટેક્સની રસીદ અથવા અપડેટ બિલ જરૂરી હોય છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં આ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાથી અનેક અરજદારોના કામો અટવાઈ રહ્યા છે. હાઉસ ટેક્સ બિલ ન હોવાથી અરજદારોને શું નુકસાન? વેરા ઉઘરાણી બંધ થવાથી શું અસર પડે વેરા ઉઘરાણી દોઢ માસથી બંધ રહેતા મનપાની આવક પર પણ અસર પડે છે. મનપાના વિકાસ કામો અને દૈનિક સેવાઓ માટે જરૂરી નાણાં એકત્રિત કરવામાં વિલંબ થાય છે, જેનાથી વિકાસકાર્યો પર પણ અસર થવાની શક્યતા છે. "ઈનગર પોર્ટલને બદલે મનપાનું ખુદનું પોર્ટલ બને છે" > અગાઉ ઈનગર પોર્ટલ પરથી વેરાના નવા ડેટા જનરેટ થતા હતા. હાલ પોરબંદર મહાનગરપાલિકા પોતાનું નવું પોર્ટલ તૈયાર કરી રહી છે, જેના કારણે વેરા બિલ જનરેટ કરવાની પ્રક્રિયામાં વિલંબ થયો છે. તંત્ર દ્વારા ટૂંક સમયમાં પોર્ટલ કાર્યરત થશે ત્યારે વેરા વસૂલાત ફરી શરૂ થશે.— મનન ચતુર્વેદી, ડેપ્યુટી કમિશનર, મનપા
Read Original Article →