અરભમભાઈ કારાવદરાએ ભાજપ છોડ્યું:14 વર્ષનો સાથ છોડી પૂરી પેનલ સાથે ‘આપ’માં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. વોર્ડ નંબર ૩ ના કદાવર ભાજપ અગ્રણી અરભમભાઈ કારાવદરાએ ભાજપ સાથેના ૧૪ વર્ષ જૂના સંબંધોનો અંત લાવ્યો છે. તેઓ પોતાની પૂરી ટીમ અને પેનલ સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટી (AAP) માં જોડાઈ ગયા છે, જેના પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અરભમભાઈ છેલ્લા ૧૪ વર્ષથી ભાજપમાં સક્રિય રહી પાયાનું કામ કરી રહ્યા હતા. જોકે, આગામી ચૂંટણીમાં પક્ષ દ્વારા તેમની અવગણના કરવામાં આવતા અને ટિકિટ ન ફાળવવામાં આવતા તેઓ નારાજ હતા. પક્ષ પ્રત્યેની નિષ્ઠાના બદલામાં અવગણના થતા તેમણે ભાજપ છોડવાનો નિર્ણય લીધો. અરભમભાઈ કારાવદરાનું વર્ચસ્વ વોર્ડ નંબર ૩ માં મજબૂત માનવામાં આવે છે. તેમની સાથે તેમની આખી પેનલ અને ટેકેદારો પણ આમ આદમી પાર્ટીમાં સામેલ થતા ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ પક્ષાંતરથી હવે વોર્ડ નંબર ૩ માં ત્રિપાંખિયો જંગ વધુ રોચક બનશે.
આ પક્ષાંતર બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં તરેહ-તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આગામી ચૂંટણીમાં અરભમભાઈના આ પગલાથી ભાજપને કેટલું નુકસાન વેઠવું પડે છે તે જોવું રહ્યું.
Read Original Article →