સુરક્ષા તાલીમ:આગ અકસ્માત સમયે સ્વ બચાવ અને સાવચેતીઅંગે 500 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું
પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં આગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે સમયાંતરે તાલીમ કાર્યક્રમો યોજવામાં આવે છે. તે અનુસંધાને પોરબંદર શહેરમાં આવેલ પી. એમ. જવાહર નવોદય વિદ્યાલય ખાતે ફાયર સેફ્ટી અને આપત્તિ સમયે સ્વ બચાવ અંગે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગના અધિકારી અભય મહેતા અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને આગ અકસ્માત સમયે રાખવાની સાવચેતી, ગભરાટથી કેવી રીતે બચવું, તાત્કાલિક પ્રાથમિક પગલાં કયા લેવા તેમજ સ્વ બચાવ કેવી રીતે કરવો તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આગ લાગ્યાની પરિસ્થિતિમાં “શું કરવું” અને “શું ન કરવું” તેની સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા અંદાજિત 500 જેટલા એનસીસી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને માર્ગદર્શન મેળવ્યું હતું. સાધનો, ફાઈટિંગ વાહનો અને સુરક્ષા ઉપકરણો અંગે જીવંત પ્રદર્શન કર્યું
સલામત રીતે બિલ્ડિંગ ખાલી કરવાની પ્રક્રિયા, ફાયર સેફ્ટીના મૂળભૂત નિયમો તેમજ બચાવ માટેના ઉપાયો અંગે માહિતી આપવામાં આવી હતી. ફાયર વિભાગ પાસે ઉપલબ્ધ આધુનિક સાધનો, ફાયર ફાઈટિંગ વાહનો અને સુરક્ષા ઉપકરણો અંગે જીવંત પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
Read Original Article →