અખિલ ભારતીય ગ્રાહક પંચાયતે કેબિનેટ મંત્રીને આવેદન આપ્યું:MRP નક્કી કરવા સ્પષ્ટ કાયદો અને નિયામક સત્તાની માંગ પ્રબળ બની
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, પોરબંદર દ્વારા પેકેટબંધ ચીજવસ્તુઓ પર છાપવામાં આવતી MRP (મહત્તમ છૂટક કિંમત) અંગે સ્પષ્ટ નીતિ, નિયમો અને કાયદો ઘડવાની માંગ સાથે પોરબંદરના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવાયું હતું કે હાલ પેકેટબંધ ચીજવસ્તુઓ પર MRP લખવી ફરજિયાત છે અને MRP કરતાં વધુ કિંમત વસૂલવી ગુનો બને છે, પરંતુ MRP કેટલી હોવી જોઈએ તેની કોઈ સ્પષ્ટ મર્યાદા ન હોવાને કારણે ઉત્પાદકો અને વિક્રેતાઓ મનસ્વી રીતે કિંમત નક્કી કરી રહ્યા છે. તેના કારણે ગ્રાહકો પાસેથી વધુ રકમ વસૂલવામાં આવી રહી છે. ગ્રાહક પંચાયતે MRP નક્કી કરવા માટે અસરકારક કાયદો ઘડવા, તેના અમલ માટે વિશેષ સત્તાઓ ધરાવતી ઓથોરિટીની રચના કરવા તથા ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય તેવા પગલાં ભરવાની માંગ કરી હતી. આ તકે ગ્રાહક પંચાયતના જિલ્લા સંયોજક સંજય મહેતા, સહ-સંયોજક લલિત ત્રિવેદી, મહિલા સંયોજિકા વિશાખાબેન શીલુ તથા સક્રિય કાર્યકર ભાવીન જોષીએ ઉપસ્થિત રહી મંત્રીને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
Read Original Article →