સુખદ સમાધાન:સાસરિયાના ત્રાસથી ઘર છોડવા નીકળેલી ઉચ્ચ શિક્ષિત પરિણીતાની વહારે આવી 181ની ટીમ
પોરબંદરમાં રહેતી એક ઉચ્ચ શિક્ષિત પરિણીતાએ B.Ed પૂર્ણ કર્યા બાદ તાજેતરમાં જ TAT (ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ) ની પ્રિલિમરી પરીક્ષા પાસ કરી હતી અને હાલ તે મેન્સ પરીક્ષાની તૈયારી કરી રહી હતી. જો કે, તેને 2 મહિનાની નાની બાળકી હોવાના કારણે તે ઘરકામ અને અભ્યાસ વચ્ચે સંતુલન જાળવી શકતી નહોતી. આ બાબતને લઈને સાસુ અને પતિ દ્વારા તેને "તું ઘરમાં કંઈ કામ કરતી નથી અને છોકરીનું ધ્યાન રાખતી નથી" તેમ કહીને સતત મહેણાં-ટોણાં મારવામાં આવતા હતા. પરિણીતાના પિતા હયાત નથી અને તેની માતા દિવ્યાંગ છે. પિયરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાથી તે કોઈ પણ સંજોગોમાં પિયર જઈ શકે તેમ નહોતી. આ લાચારીનો ફાયદો ઉઠાવી સાસરીયાઓ તેને "પિયરથી શું લાવી છે?" કહી માનસિક ટોર્ચર કરતા હતા, જેના કારણે આ પરિણીતા માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા અને ઘર છોડવા તૈયાર થયા હતા. મહિલાએ કંટાળીને 181 હેલ્પલાઇનની મદદ માંગતા, કાઉન્સેલર ખુશ્બુ પાંડાવદરા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ સેજલબેન પંપાળીયા તથા પાયલોટ દાનાભાઈ કટારા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ટીમે સૌપ્રથમ રડતી પરિણીતાને શાંત પાડી તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યારબાદ તેની 2 મહિનાની માસૂમ દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પતિ અને સાસુ સાથે કાયદાકીય અને સામાજિક ચર્ચા કરી હતી. અને સમજાવી સમાધાન કરાવ્યું હતું. સાસરિયાઓને પોતાની ભૂલ સમજાઈ
181ની ટીમના સચોટ કાઉન્સેલિંગ બાદ સાસરીયાઓને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેમણે ભવિષ્યમાં દીકરીને ભણવામાં મદદ કરવાની અને આવું વર્તન ન કરવાની ખાતરી આપી હતી. અંતે પરિણીતાએ રડતા ગળે 181 ટીમનો ભાવપૂર્વક આભાર માનતા કહ્યું કે, "જો આજે તમે ન આવ્યા હોત તો મારું ઘર તૂટી ગયું હોત." વધુ એક ઘરેલું હિંસા સામે આવી
ઉલ્લેખનીય છેકે, 181 પર કોલ આવે છે તેમાં વધુ પડતા કેસમાં ઘરેલું હિંસા જોવા મળે છે. આ કેસમાં પણ ઉચ્ચ શિક્ષિત પરિણીતા ઘરેલું હિંસાનો ભોગ બની હતી. કોઈપણ પ્રકારની ઘરેલું હિંસા કે માનસિક ત્રાસના સમયે મહિલાઓ 24 કલાક નિઃશુલ્ક હેલ્પલાઇન નંબર 181 અભયમ પર સંપર્ક કરી તાત્કાલિક સુરક્ષા અને માર્ગદર્શન મેળવી શકે છે.
Read Original Article →