વસંત ઋતુનું આગમન:પોરબંદર શહેરના પક્ષી અભયારણ્ય ખાતે 6 પ્રજાતિના પક્ષીની નોંધ થઈ

Gujarat4/10/2026, 12:00:00 AM
વસંત ઋતુનું આગમન:પોરબંદર શહેરના પક્ષી અભયારણ્ય ખાતે 6 પ્રજાતિના પક્ષીની નોંધ થઈ
પોરબંદર શહેર મધ્યે 9.33 હેક્ટરમાં ફેલાયેલ પક્ષી અભયારણ્ય પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં વેટલેન્ડ ખાતે પક્ષીઓ માટે કૃત્રિમ માઉન્ટ બનાવવામાં આવેલ છે. પક્ષી અભયારણ્ય ખાતે સિઝન પ્રમાણે કુલ 85 પ્રજાતિના પક્ષી નોંધાયેલ હતા ત્યારે છેલ્લા 15 દિવસમાં આ અભયારણ્ય ખાતે વધુ 6 પ્રજાતિના પક્ષી નોંધાયા છે. સિઝન પ્રમાણે હવે કુલ 91 પ્રજાતિના પક્ષીની નોંધ થઈ છે. નવા પક્ષીમાં દિવાળી માખીમાર, નીલકંઠ માખીમાર, તરવરિયો માખીમાર, પીળક, ટપુશીયુ પક્ષી અને સોબિંગ પક્ષીનો સમાવેશ થાય છે. પક્ષી નિરીક્ષક ચિરાગ ટાંક, કારાભાઇ ખુંટી, નાગાજણ મોઢવાડીયા, રવિ ઓડેદરા દ્વારા અભયારણ્ય ખાતે નિરીક્ષણ કરી આ નવા પ્રજાતિના પક્ષીની નોંધ કરી છે. પક્ષી નિરીક્ષક ચિરાગ ટાંકે જણાવ્યું હતુકે, પાનખર પૂરી થઈ છે અને વસંત ઋતુનું આગમન થઈ ગયું છે ત્યારે વૃક્ષોમાં નવા પર્ણ, ફૂલ તથા ફળ આવતા હોય છે જેથી આવા પક્ષીઓ અહીં આવે છે. ઉલ્લેખનીય છેકે પીળક પક્ષી અને નીલકંઠ માખીમાર પક્ષી સિટી માટે ભાગ્યેજ જોવા મળતા પક્ષી છે જ્યારે આ સિવાયના 4 પ્રજાતિના પક્ષી બાગ બગીચામાં જોવા મળતા હતા જે પક્ષી અભયારણ્ય ખાતે આવતા તેઓની નોંધ લીધી છે. માખીમાર પક્ષીની શી વિશેષતા છે? દિવાળી માખીમાર, તરવરિયો માખીમાર અને નીલકંઠ માખીમાર પ્રજાતિમાં પક્ષીની ચાંચ પાસે વાળ હોય છે, જે વાળ સેન્સરનું કામ કરે છે જેથી આસપાસમાં ઊડતી જીવાત સેન્સર દ્વારા ખબર પડી જતા આવા પક્ષી સેન્સરની મદદથી જીવાતનો આસાનીથી શિકાર કરતા હોય છે.
Read Original Article →