ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:યાર્ડમાં 4000 બોક્સ કેરીની આવક, પ્રતિ બોક્સના 600 થી 1400ના ભાવ બોલાયા
પોરબંદરના યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો થયો છે.યાર્ડમાં એક દિવસમાં બીલેશ્વર, ખંભાળા, રાણાવાવ અને આદિત્યાણા સહિત બરડા પંથકમાંથી 1000 અને ગીર પંથકમાંથી 3000 બોક્સ સહિત 4000 બોક્સ કેરીની આવક નોંધાઈ છે.હાલ યાર્ડમાં આવક થયેલ કેરીના પ્રતિબોકસે રૂ.600 થી 1400 ભાવ બોલાયા હતા. સમગ્ર રાજ્યના તલાલા ગીર,જૂનાગઢ તેમજ પોરબંદરના બરડા પંથકની કેરી માટે ખ્યાતનામ કહેવામાં આવે છે.પોરબંદરના બરડા પંથકમાં આવેલ કેરીના બગીચામાંથી ઉત્પાદિત થતી કેરી સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે ત્યારે પોરબંદર જિલ્લામાં આ વર્ષે કેસર કેરીની આવક પણ વહેલી નોંધાઈ છે. બરડા ડુંગરમાં ચુનાના પથ્થરના પેટાળને લીધે કેરીના બગીચામાં આ ચુનાના પથ્થરના પેટાળની ગરમીને લીધે સિઝન કરતા વહેલા ફાલ લાગી જાય છે જેથી પોરબંદરમાં આ વર્ષે વહેલી કેરી પાકી છે. યાર્ડમાં કેરીની આવકમાં વધારો થયો છે. પોરબંદરના યાર્ડમાં સોમવારે એક જ દિવસમાં બીલેશ્વર, ખંભાળા, રાણાવાવ અને આદિત્યાણા સહિત બરડા પંથકમાં બગીચામાંથી 1000 બોક્સ આવક નોંધાઈ હતી જેનો પ્રતિબોક્સના રૂ.800 થી 1400 ભાવ બોલાયા હતા તો ગીર પંથકમાંથી 3000 બોક્સની આવક નોંધાઈ હતી. જેનો પ્રતિબોક્સના રૂ.600 થી 1100 ભાવ બોલાયા હતા.યાર્ડમાં કેરીની આવક વધતા હાલ કેરીની હરાજી સાંજ સુધી ચાલી રહી છે.હાલ બરડા પંથકની સરખામણીમાં ગીર પંથકમાંથી કેરીની આવક વધુ જોવા મળી રહી છે. કેરીનાં પ્રતિબોકસે રૂપિયા 200 થી 400 ભાવ ઘટયા
પોરબંદરના યાર્ડમાં અગાઉ બોક્સના 1200 થી 1700 ભાવ બોલાતા હતા ત્યારે યાર્ડમાં આવકમાં વધારો થતાં હાલ રૂ.600 થી 1400 પ્રતિબોકસે ભાવ બોલાયા છે હાલ પ્રતિબોકસે રૂ.200 થી 400 ભાવ ઘટયા હતા. બરડા પંથકમાં આગોતરાફાલની આવક ઘટી
પોરબંદરના બરડા પંથકમાં આવેલ કેરીના બગીચામાં બે તબક્કે કેરીનો ફાલ લાગ્યો હતો ત્યારે હાલ બરડા પંથકના કેરીના બગીચામાં આગોતરા ફાલની કેરીની આવક ઘટી છે.
Read Original Article →