અભયમ ટીમની સુંદર કામગીરી:આત્મહત્યાના વિચારોમાં ગરકાવ‎મહિલાને 181 અભયમ ટીમે બચાવી‎

Gujarat5/15/2026, 12:00:00 AM
પોરબંદરમાં રહેતી મહિલા ઘરેલુ માનસિક ત્રાસથી કંટાળી આત્મ હત્યા કરવા માટે દવાની બોટલ લઈને ઘરેથી નીકળી ગઈ હતી. ઘટનાની જાણ મહિલાની બહેનને થતા તેમણે તાત્કાલિક 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી મદદ માંગી હતી. માહિતી મળતા જ અભયમ ટીમના કાઉન્સેલર મીરા માવદિયા તથા કોન્સ્ટેબલ સેજલબેન પંપાણીયા તુરંત સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું. પરામર્શ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે તેમના પતિ નાની નાની બાબતોમાં વારંવાર માનસિક ત્રાસ આપતા હતા તેમજ નશાકારક દ્રવ્યોનું સેવન કરતા હોવાથી તેઓ ખૂબ કંટાળી ગયા હતા. આ પરિસ્થિતિમાં મહિલાએ પોતાની 5 માસની બાળકીને ઘરે મૂકીને સાસરીમાંથી નીકળી પોરબંદર પહોંચી હતી અને બહેનને ફોન કરી આત્મહત્યાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. મહિલાની બહેને તેમને સમજાવવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓ માનવા તૈયાર નહોતા. ત્યારબાદ અભયમ ટીમે મહિલાને સાંત્વના આપી આત્મહત્યાના વિચારોમાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો. ટીમે મહિલાને તેમની બાળકીના ભવિષ્ય અંગે સમજાવી જીવનનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ મહિલાના પતિને કાયદાકીય માહિતી આપી સમજાવટ પણ કરવામાં આવી હતી. અંતે મહિલાને તેમની 5 માસની બાળકી સાથે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય તથા લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે સોંપવામાં આવ્યા હતા. મોટાભાગના કેસ ઘરેલું હિંસાના મોટાભાગની પીડિત મહિલાઓ ઘરેલું હિંસાનો ભોગ બનેલી હોવાનું આવા કિસ્સાઓમાં સામે આવે છે. નશો કરેલી હાલતમાં પતિનો ત્રાસ, પતિ દ્વારા મહિલાને મારકૂટ અને બાળકો પ્રત્યે જવાબદારી ન સ્વીકારવી સહિતના ઘરેલું હિંસાના કેસો સામે આવી રહ્યા છે.
Read Original Article →