16 નવદંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા:કોળી સેવા સમિતિ દ્વારા સર્વ જ્ઞાતિ લગ્ન મહોત્સવ સંપન્ન
કોળી સેવા સમિતિ દ્વારા ભવ્ય રીતે સર્વ જ્ઞાતિ લગ્ન મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન મહોત્સવની વિશેષતા રૂપે સૌપ્રથમ વખત દાંડીયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર કાર્યક્રમ આનંદ અને ઉત્સાહથી છલકાયો હતો. આ સર્વ જ્ઞાતિ લગ્ન મહોત્સવમાં કુલ 16 નવદંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. બપોરે 4 કલાકે ધામધૂમ પૂર્વક વરરાજાનું સામૈયું કરી જાનને માંડવે લાવવામાં આવી હતી. વર અને કન્યાના હસ્ત મેળાપ તેમજ મંગલફેરાની વિધિઓ સંપન્ન થઈ હતી. દરેક મંગલફેરા દરમિયાન વર-કન્યાએ એકબીજા પ્રત્યે સપ્તવચન લીધા હતા. ત્યારબાદ કંસાર જમણની વિધિ યોજાઈ હતી. સમગ્ર લગ્ન વિધિ માટે શાસ્ત્રી ગૌતમ યાજ્ઞિક આરંભડિયાએ સેવાઓ આપી હતી. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના આગેવાનો, યુવાઓ અને મહેમાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને મન મૂકીને દાંડીયા રાસનો આનંદ માણ્યો હતો. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને ઇનામો પણ આપવામાં આવ્યા હતા. સર્વ જ્ઞાતિ લગ્ન મહોત્સવ હોવાથી વિવિધ સમાજના લોકોએ સ્વેચ્છાએ વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપ્યો હતો. વર-કન્યાના પરિવારો દ્વારા આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજના પ્રમુખ ગીગાભાઈ ચાવડા તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા. જેમાં જગદીશ ચાવડા, કેશુભાઈ વાઢીયા, રામભાઈ ડાકી અને મહેન્દ્રભાઈ બામણીયાનો સમાવેશ થતો હતો. ઉપરાંત દિવેચા કોળી સમાજના પ્રમુખ મગનભાઈ બામણીયા, કોર્પોરેટર હર્ષદભાઈ પ્રેમજીભાઈ બામણીયા, ભદ્રકાળી ગરબી મંડળના પ્રમુખ રામજીભાઈ છગનભાઈ બામણીયા, તળપદા કોળી સમાજના આગેવાનો તથા માધવપુરના સરપંચ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પોરબંદર મનપાના લગ્ન નોંધણી અધિકારી પીયૂષ વાજા અને વિવેક હોદાર દ્વારા નવદંપતિઓને લગ્નના દિવસે જ મેરેજ સર્ટિનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે લાખાભાઈ મોકરીયા અને હિતેશ ચુનીલાલ વાજા છેલ્લા છ મહિનાથી સતત મહેનત કરી રહ્યા હતા. સાથે જ રવિભાઈ મકવાણા, પરેશભાઈ મકવાણા, વિજય બોરસીયા, મહેશભાઈ ભુવા, હેમંતભાઈ મોકરીયા, મનોજભાઈ મકવાણા, અરવિંદભાઈ વાળા, રમેશ લુદરિયા અને અશોકભાઈ બારોટ સહિત અનેક કાર્યકરોએ તન-મનથી સહયોગ આપ્યો હતો. આરોગ્ય લક્ષી કેમ્પ યોજાયો કાર્યક્રમ દરમિયાન ભાવસિંજી હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પ તેમજ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓ માટે પ્રાથમિક તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક લોકોએ રક્તદાન કરીને સમાજ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી અને આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો.
Read Original Article →