કરુણાંતિકા સર્જાઈ:વડાવલી ગામે તળાવમાં માટી લેવા ખોદકામ કરતાં ભેખડ ધસી પડતાં શ્રમિક દટાતાં મોત
ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે આંબલીવાળા તળાવના ખોદકામ દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડતાં શ્રમિક નીચે દટાઈ ગયો હતો. ગંભીર હાલતમાં બહાર કાઢી સારવાર માટે ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો,પરંતુ તેનું મોત થયું હતું ઘટનાને પગલે શ્રમિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ચાણસ્મા તાલુકાના ધારપુરી ગામના 34 વર્ષીય હરપાલસિંહ લાલસિંહ ઠાકોર વડાવલી ગામે આવેલ આંબલીવાળા તળાવમાં માટીખોદ કામ માટે ગયા હતા. દરમિયાન તળાવમાં ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક માટીની ભેખડ ધસી પડતાં હરપાલસિંહ નીચે દટાઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર અન્ય શ્રમિકોએ દોડધામ કરી તેમને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા. જોકે તેમનું મોત થયું હતું.ઘટનાની જાણ થતાં ચાણસ્મા પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપ્યો હતો. મૃતકના ભાઈએ પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડાવલીના તલાટી કમ મંત્રી જયંતીભાઈ એ જણાવ્યું હતું કે હરપાલસિંહ ઠાકોર અને તેમની સાથે અન્ય ત્રણ-ચાર લોકો ખેતરમાં કે તેમનાં ઘરકામ માટે ઉપયોગમાં લેવા માટે માટી લેવા માટે ટ્રેક્ટર લઈને આવ્યા હતા તેઓ ખોદકામ કરી રહ્યા હતા તે વખતે માટીની ભેખડ ધસી પડતાં તેમને ઇજાઓ થતાં મોત થયું હતું.
Read Original Article →