હેમચંદ્રાચાર્ય યુનિ.એ વડાલીમાં M.Sc. (CA IT) કોર્સ શરૂ કર્યો:પ્રવેશ પ્રક્રિયા શરૂ, ધોરણ 12માં કોઈપણ પ્રવાહમાં અંગ્રેજી વિષય સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને તક
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ શૈક્ષણિક વર્ષ 2026-27 થી વડાલી સબ સેન્ટર ખાતે પાંચ વર્ષનો ઇન્ટિગ્રેટેડ M.Sc. (CA IT) પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ શરૂ કર્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ દૂરદરાજ અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ સુધી ગુણવત્તાયુક્ત ટેકનિકલ શિક્ષણ પહોંચાડવાનો છે. આ કોર્સમાં ધોરણ 12માં કોઈપણ પ્રવાહમાં અંગ્રેજી વિષય સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. આ અભ્યાસક્રમ હેઠળ વિદ્યાર્થીઓને આધુનિક IT ટેકનોલોજી આધારિત શિક્ષણ, ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ પ્રેક્ટિકલ ટ્રેનિંગ, સ્માર્ટ ક્લાસરૂમ અને આધુનિક કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. પાંચ વર્ષના આ 10 સેમેસ્ટરના કોર્સમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ, વેબ ટેકનોલોજી, સાયબર સિક્યુરિટી, AI અને ડેટા એનાલિટિક્સ જેવા વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ માટે સોફ્ટવેર ડેવલપર, સિસ્ટમ એનાલિસ્ટ, નેટવર્ક એડમિનિસ્ટ્રેટર અને ડેટા એનાલિસ્ટ જેવી કારકિર્દીની વિવિધ તકો ઉપલબ્ધ બનશે. વડાલી સબ સેન્ટર ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ, સ્કોલરશિપ માર્ગદર્શન અને પ્લેસમેન્ટ સહાય જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયા અને ફી અંગેની વધુ માહિતી માટે યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ www.ngu.ac.in અથવા વડાલી સબ સેન્ટરની કેમ્પસ ઓફિસનો સંપર્ક કરી શકાશે.
Read Original Article →