મહેસાણામાં 111કુંડી શ્રી મહાવિષ્ણુયાગનું દ્વિ-દિવસીય આયોજન:ઉત્તર ગુજરાત બ્રહ્મ મહિલા સંગઠન દ્વારા તૈયારીઓ શરૂ
મહેસાણા શહેર સ્થિત શ્રી ઉત્તર ગુજરાત સમસ્ત બ્રહ્મ મહિલા સંગઠન દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પ સાથે 111કુંડી શ્રી મહાવિષ્ણુયાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર અધિક માસમાં કરાયેલા સાત્વિક કાર્યોનું પુણ્યફળ અધિક પ્રાપ્ત થાય છે, તેવા ઉમદા હેતુથી આ યજ્ઞ યોજાઈ રહ્યો છે. આ યજ્ઞ માટે મહેસાણા શહેરમાં વસતા સમસ્ત બ્રહ્મ સમાજની બહેનો દ્વારા વિધિવત રીતે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બ્રહ્મ મહિલા સંગઠનને તમામ બ્રહ્મ સમાજના આગેવાનો અને સંગઠનો દ્વારા સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે. સમાજના દાનવીર ભામાશાઓ તરફથી પણ માતબર રકમ દાનમાં પ્રાપ્ત થઈ છે. આ પવિત્ર પ્રસંગનું આયોજન મહેસાણાના નાગલપુર ખાતે આવેલા શ્રી નીલકંઠ મહાદેવ મંદિરમાં પ્રથમવાર થઈ રહ્યું છે. યજ્ઞનો શુભારંભ 13અને 14 જૂન, શનિ-રવિવારના રોજ થશે. પથમેડાથી બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજ તથા મહાવિષ્ણુયાગ યજ્ઞના આચાર્ય યશભાઈ વ્યાસજીના શુભાશિષ સાથે આ કાર્યક્રમ યોજાશે. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ 14જૂન, ૨૦૨૬, રવિવારના રોજ સાંજે 6 કલાકે બ્રહ્મભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક નામી-અનામી બ્રહ્મ અગ્રણીઓએ ઉદાર હાથે દાન આપીને આ પવિત્ર કાર્યમાં પોતાનો ફાળો નોંધાવ્યો છે. આ દિવ્ય કાર્યમાં હીનાબેન વ્યાસ, કપિલાબેન દવે, અલકાબેન ત્રિવેદી, રીનાબેન, કોમલબેન રાવલ, ચંદ્રિકાબેન સહિત બ્રહ્મ સમાજની મોટી સંખ્યામાં બહેનો હાજર રહી પોતાની શક્તિ અનુસાર જવાબદારીઓ સ્વીકારી કાર્યને સફળ બનાવવા મહેનત કરી રહી છે. મુકેશભાઈ રાવલ, પિયુષભાઈ રાવલ, રાજેશભાઈ ઠાકર તેમજ અન્ય બ્રહ્મ અગ્રણીઓએ પણ યજ્ઞશાળાની તૈયારીઓ દરમિયાન હાજરી આપી બહેનો અને સ્વયંસેવકોનો ઉત્સાહ વધાર્યો હતો. મુકેશભાઈ રાવલે જણાવ્યું કે, આવું ભવ્ય અને પવિત્ર કાર્ય આજદિન સુધી મહેસાણાના આંગણે ક્યારેય યોજાયું નથી, જેથી આ યજ્ઞમાં જોડાવવું એ ઉત્તમ પુણ્યફળની પ્રાપ્તિ સમાન છે. પિયુષભાઈ રાવલે ઉમેર્યું કે, પવિત્ર અધિક પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમની ઉત્તમ સાધના સાથે વિશ્વ કલ્યાણ હિતાર્થે આવા પવિત્ર શ્રી મહાવિષ્ણુયાગ યજ્ઞનું આયોજન ફક્ત બ્રહ્મ સમાજ જ વિચારી શકે.
Read Original Article →