પાટણ:સન્માન ફૂલહારથી નહીં, પણ ચોપડાથી કરવાની પાલિકાના મહિલા પ્રમુખની પહેલ
સત્તાના સિંહાસન પર બેઠા પછી સામાન્ય રીતે ભવ્ય સન્માન અને મોંઘી ભેટ-સોગાદોનો દોર શરૂ થતો હોય છે,પરંતુ પાટણ પાલિકાના નવનિયુક્ત મહિલા પ્રમુખ ચંદ્રીકાબેન રાવળે એક અનુકરણીય પરંપરાની શરૂઆત કરી છે. હોદ્દો સંભાળ્યા બાદ વિવિધ સંગઠનો અને નાગરિકો તરફથી મળી રહેલા સત્કાર સમારોહમાં તેમણે મોંઘા ફૂલહાર, શાલ કે પ્લાસ્ટિકની મોમેન્ટોનો સ્વીકાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેના બદલે, તેમણે શુભેચ્છકોને અપીલ કરી છે કે સન્માન પાછળ થતો 300 થી 500 નો બિનજરૂરી ખર્ચ બચાવીને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા ચોપડા,બોલપેન ભેટમાં આપવામાં આવે પ્રમુખના આ નિર્ણયને શહેરમાં સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા બે જ દિવસમાં મુલાકાતીઓ દ્વારા ડઝનબંધ નોટબુક અર્પણ કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે, જેનાથી 700 થી વધુ ચોપડાઓ એકત્ર થઈ ચૂક્યા છે. આ અનોખી પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સ્લમ અને વંચિત વિસ્તારના જરૂરિયાતમંદ બાળકો સુધી શિક્ષણનો પ્રકાશ પહોંચાડવાનો છે. શૂભેચ્છકોથી 5,000 પુસ્તકોની અપેક્ષા
પ્રમુખ દ્વારા સમર્થકો સ્નેહીઅને શુભેચ્છકો દ્વારા આગામી દિવસોમાં પાંચ હજારથી વધુ પુસ્તકો એકત્ર થવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ તમામ શૈક્ષણિક સામગ્રી ગરીબ બાળકોમાં વિતરીત કરવામાં આવશે. એટલું જ નહીં, જો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં પુસ્તકોની ઘટ પડશે તો તે પોતાના અંગત ખર્ચે ઉમેરીને પણ બાળકો આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
Read Original Article →