પેટ્રોલ પંપ પાછળનું મેદાન લારીઓને ઊભી રહેવા સફાઈ કરાવી:પાટણમાં બગવાડા ચોકમાં ટ્રાફિક દૂર કરવા દબાણો હટાવીને વૈકલ્પિક જગ્યા ફાળવાઈ

Gujarat5/24/2026, 12:00:00 AM
પાટણ શહેરના વ્યસ્ત અને હાર્દ સમાન બગવાડા ચોકમાં ટ્રાફિકની જટિલ સમસ્યા હલ કરવા માટે નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર, ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ અને કારોબારી ચેરમેન નીલમ પટેલ સહિતની ટીમે બગવાડા વિસ્તારની મુલાકાત લીધી હતી. મુખ્ય માર્ગ પરથી લારી-ગલ્લા અને ફેરિયાઓના દબાણો હટાવી તેમને વૈકલ્પિક જગ્યા ફાળવવા માટે બગવાડા પેટ્રોલ પંપની પાછળ આવેલા ત્રિકોણીય મેદાનનું સ્થળ નિરીક્ષણ કરાયું હતું. આ મેદાન પર લાંબા સમયથી ચાની કીટલીઓ, શેરડીના રસના કોલા અને ઠંડા પીણાંની હાટડીઓ જેવા કાચા-પાકા દબાણો ખડકાયેલા હતા. પાલિકાની ટીમે જેસીબી અને સફાઈ કામદારોની મદદથી આ તમામ દબાણો તાત્કાલિક હટાવી જગ્યા ખુલ્લી કરી દીધી હતી. જગ્યા સાફ થયા બાદ, મુખ્ય માર્ગ પરના ફેરિયાઓને આ નવી જગ્યાએ સ્થળાંતર કરવા જણાવાયું છે. અગાઉ રોડ પર લારીઓ ઊભી રહેવાના કારણે અહીં પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામ થતો હતો .
Read Original Article →