હેલ્થ સેક્ટરમાં છાત્રોનું ભવિષ્ય બનશે ઉજ્જવળ:ફાયદો : ઉતર ગુજરાતના મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓઆ પોસ્ટ ગેજ્યુટ અભ્યાસક્રમ કરી હેલ્થ સેક્ટરમાં ઉજ્વળ ભવિષ્ય બનાવી શકશે
પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. બદલાતા સમયની માંગ અને જાહેર આરોગ્ય ક્ષેત્રે નિષ્ણાતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ થી માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ’ (MPH) નો બે વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. વર્ષ ૨૦૦૫ થી કાર્યરત હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ હવે વિદ્યાર્થીઓને પબ્લિક હેલ્થ રિસર્ચ અને મેનેજમેન્ટમાં સજ્જ કરશે. આ અભ્યાસક્રમ વિશે માહિતી આપતા વિભાગીય વડા ડૉ. કે. કે. પટેલે જણાવ્યું હતું કે, આ કોર્સનો મુખ્ય હેતુ જાહેર આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત સંશોધકો અને વહીવટકર્તાઓ તૈયાર કરવાનો છે. MPH માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા પાસ કરવાની રહેશે. ખાસ કરીને મેડિકલ અને પેરામેડિકલ ગ્રેજ્યુએટ્સને આ કોર્સમાં પ્રવેશ માટે પ્રથમ અગ્રતા આપવામાં આવશે, ત્યારબાદ અન્ય વિદ્યાશાખાના સ્નાતકોને તક મળશે. આ કોર્સ વિદ્યાર્થીઓને હોસ્પિટલ વહીવટ તેમજ સરકારી અને ખાનગી હેલ્થ સેક્ટરમાં ઉચ્ચ હોદ્દાઓ પર કામ કરવા માટે સક્ષમ બનાવશે. યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા આ કોર્સને લીલી ઝંડી આપી દેવામાં આવી છે અને આગામી એકેડેમિક કાઉન્સિલની બેઠક બાદ પ્રવેશ પ્રક્રિયાનું વિગતવાર જાહેરનામું બહાર પાડશે. જે છાત્રો હેલ્થ મેનેજમેન્ટમાં ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છે છે, તેમના માટે આ એક ઉત્તમ શૈક્ષણિક તક સાબિત થશે.
Read Original Article →