વાહન ચાલક અકસ્માત સર્જી ભાગી ગયો:સિદ્ધપુર દેથળી સર્કલ પાસે રોડ ઓળંગતા શ્રમિકને વાહન ચાલકે કચડી નાખતાં મોત
સિદ્ધપુરના દેથળી ચાર રસ્તા પર શુક્રવારે રાત્રે રોડ ઓળંગી રહેલા સ્થાનિક શ્રમિક યુવકને અજાણ્યા વાહનના ચાલકે જોરદાર ટક્કર મારી હતી.યુવક વાહન નીચે આવી જતા શરીરના ટુકડા થઈ જતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.અકસ્માત સર્જી વાહનચાલક નાસી છૂટ્યો હતો. પૂર્વ નગરસેવક સહિત સ્થાનિક રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હેડ.કોન્સ. દિનેશભાઈએ હોસ્પિટલ પહોંચીને મૃતદેહનું પંચનામું કરી તેને પોસ્ટમોર્ટમ અર્થે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતકના ભાઈ કનુજી ની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. રાત્રે ગ્રીલ કે તાર ઓળંગી રસ્તો ક્રોસ કરવાની ભૂલ ભારે પડી શકે ! રાત્રિના સમયે આ શ્રમિક ઉતાવળમાં રોડની વચ્ચે તારની ફેન્સિંગ ક્રોસ કરી રસ્તો ઓળંગી બીજી તરફ જવાનો પ્રયાસ કરવા દરમ્યાન ભારે વાહનના નીચે આવી જતાં મોત થયું છે.રાત્રે હાઈવે ક્રોસ કરતી વખતે ભારે વાહનોની ગતિનો અંદાજ મેળવવો મુશ્કેલ બને છે.હંમેશા ડાર્ક સ્પોટ (અંધારાવાળી જગ્યાઓ) પરથી રોડ ઓળંગવાનું ટાળો અને બને ત્યાં સુધી ઝીબ્રા ક્રોસિંગ અથવા વળાંક ન હોય તેવી ખુલ્લી જગ્યાનો જ ઉપયોગ કરો.વાહનચાલકોએ પણ સર્કલ અને રહેણાંક વિસ્તાર નજીક સ્પીડ મર્યાદિત રાખવી જોઈએ, જેથી આવી હોનારતો નિવારી શકાય છે.. ભાઈ ઘરે જમવાનીરાહ જોતો હતો
મૃતક વિનુજી હાથીજી ઠાકોર (ઉં.વ. આશરે 34) મજૂરી કામ કરી પરિવારને મદદ કરતા હતા. શુક્રવારે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ તેઓ કામ પતાવીને દેથળી સર્કલ હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન વિરૂદ્ધ દિશામાંથી આવતા કોઈ વાહને તેમને અડફેટે લીધા હતા. બીજી તરફ તેમનો નાનો ભાઈ કનુજી હોટલથી જમવાનું લાવી ઘરે વિનુભાઈની રાહ જોઈને બેઠો હતો.તે જ સમયે પાડોશમાં રહેતા કમલેશભાઈ પ્રજાપતિએ દોડી આવીને અકસ્માતની જાણ કરી હતી. પરિવારે ઘટનાસ્થળે જઈને જોયું તો વિનુભાઈનો મૃતદેહ રક્તરંજીત હાલતમાં પડ્યો હતો.
Read Original Article →