પાટણ:શાળા પૂર્ણ કર્યા બાદ શિક્ષકો વસ્તી‎ ગણતરીની કામગીરીમાં જોડાશે‎

Gujarat6/4/2026, 12:46:43 AM
પાટણ જિલ્લામાં 2027ની વસ્તી ગણતરી માટે મોટી સંખ્યામાં શિક્ષકોને જવાબદારી સોંપાતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થવાની ચર્ચા વચ્ચે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે શિક્ષકોને શાળા સમય દરમિયાન વર્ગખંડ છોડવાની મંજૂરી મળશે નહી. ત્યારે જિલ્લામાં વસ્તી ગણતરી માટે નિયુક્ત 2507 ગણતરીદારોમાંથી અંદાજે 70 ટકા શિક્ષકો છે, જેવો શાળા પૂર્ણ થયા બાદ જ ઘર ઘર જઈ સર્વેની કામગીરી કરશે. દેશમાં પ્રથમ વખત સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી થનારી 2027ની જનગણનાનો પ્રથમ તબક્કો પાટણ જિલ્લામાં 1 જૂનથી શરૂ થયો છે અને 30 જૂન સુધી ચાલશે. આ દરમિયાન આશરે 4.60 લાખ ઘરોની ગણતરી સાથે રહેણાંક સુવિધાઓ અંગે માહિતી એકત્ર કરવામાં આવશે. ગણતરીદારો મોબાઈલ એપ્લિકેશન મારફતે સીધી ઓનલાઈન માહિતી નોંધશે, જેમાં ઘરના મુખ્ય વ્યક્તિનું નામ, પરિવારના સભ્યોની સંખ્યા અને ઘરમાં ઉપલબ્ધ સુવિધાઓ સંબંધિત કુલ 33 મુદ્દાઓ અંગે માહિતી લેવામાં આવશે. સમગ્ર જિલ્લામાં 5792 ચોરસ કિલોમીટર વિસ્તારમાં કામગીરી માટે દરેક ગણતરીદારને અંદાજે 700થી 1100 વસ્તી ધરાવતો એક બ્લોક સોંપાયો છે, જેમાં સરેરાશ 200 ઘરોની માહિતી એકત્ર કરવાની રહેશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે નવા શૈક્ષણિક ક્ષેત્રમાં હાલ શાળાઓ સવારના સમયની હોવાથી શિક્ષકો શાળા સમય પૂર્ણ થયા બાદ જ વસ્તી ગણતરીની કામગીરી કરશે. શાળાના સમયે શિક્ષકોને શાળામાં ફરજિયાત હાજર રહેવું પડશે. આધાર કે OTP ન આપવો‎ લોકો માટે કામની વાત જનગણના દરમિયાન ગણતરીદારો કોઈપણ પ્રકારના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંક ખાતાની વિગતો કે OTP નહીં માંગે. એટલે નાણાકીય સહિત ની આવી માહિતી શેર ન કરવા અપીલ કરી છે.પ્રથમ તબક્કામાં ઘરો અને સુવિધાઓની ગણતરી બાદ ફેબ્રુઆરી 2027માં બીજો અને મુખ્ય તબક્કો શરૂ થશે, જેમાં માત્ર વસ્તીની વિગતવાર ગણતરી કરવામાં આવશે.
Read Original Article →