3 મકાન, 2 પાર્લરના તાળાં તૂટ્યાં:પાટણમાં ઘીમટા નાકા વિસ્તારમાં તસ્કરોનો તરખાટ
પાટણના ઘીમટા નાકાથી સાગરના ઉપાશ્રય સુધીના વિસ્તારમાં ગત રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. ત્રણ મકાન અને બે પાર્લરને નિશાન બનાવી તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. એક મકાનમાં મુખ્ય દરવાજો ન તૂટતા ચોરી નિષ્ફળ રહી હતી, જ્યારે બે પાર્લરમાંથી રોકડ , એન્ટિક સિક્કા, સોપારી તેમજ ખાદ્ય સામાનની ચોરી થતા વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તસ્કરોએ કલ્પેશભાઈ શાહના મકાનનો નકુચો તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ મુખ્ય દરવાજો તોડી શક્યા ન હોવાથી ચોરી થતા બચી ગઈ હતી. જોકે, તેની સામે આવેલું ઉપાશ્રયનું બંધ મકાન અને બાજુમાં આવેલા અન્ય એક બહારથી લોક કરેલા મકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તસ્કરોએ નજીકમાં આવેલી બે પાર્લર દુકાનોને પણ નિશાન બનાવી હતી. મનીષ છગનલાલ શાહની શંખેશ્વર પાર્શ્વનાથ પાર્લરમાંથી પરચુરણ, ચોકલેટ-ગોળીઓ અને બિસ્કિટના પેકેટની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે ભોગીલાલ જે. રામીની દુકાનમાંથી જૂના એન્ટિક સિક્કા, લોનના હપ્તા ભરવા માટે રાખવામાં આવેલી અંદાજે રૂ. 8 થી 10 હજારની પરચુરણ રોકડ તેમજ સોપારીનો જથ્થો ચોરી થઈ ગયો હતો. વેપારી અનિલભાઈએ જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. હાલમાં કેટલી મુદ્દામાલની ચોરી થઈ છે તેનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. જોકે એક જ વિસ્તારમાં સતત પાંચ સ્થળોને નિશાન બનાવતાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
Read Original Article →