યુકેના કોવેન્ટ્રીમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ:ગિરિ બાપુના વ્યાસપીઠે 9 દિવસીય કથામાં શ્રદ્ધાળુઓએ લીધો લાભ

Gujarat5/26/2026, 3:59:50 AM
યુકેના કોવેન્ટ્રીમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ:ગિરિ બાપુના વ્યાસપીઠે 9 દિવસીય કથામાં શ્રદ્ધાળુઓએ લીધો લાભ
યુનાઇટેડ કિંગડમના કોવેન્ટ્રી શહેરમાં માંધાતા સમાજ હોલ ખાતે 9 દિવસીય શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. વક્તા ગિરિ બાપુના વ્યાસપીઠે યોજાયેલી આ કથામાં યુકેમાં વસતા ગુજરાતીઓ સહિત સમગ્ર ભારતીય સમુદાયના લોકોએ કથા શ્રવણ અને ભોજન પ્રસાદીનો લાભ લીધો. કોવેન્ટ્રી નિવાસી હિતેશભાઈ પ્રતાપભાઈ મહેતા દ્વારા તેમના માતા ગીતાબેન અને પિતા પ્રતાપભાઈના સન્માનમાં તેમજ પુત્રી ત્રિશાના જન્મની ખુશાલીના પ્રસંગે આ શિવ મહાપુરાણ કથાનું વિશેષ આયોજન કરાયું હતું. આ ધાર્મિક મહોત્સવ માંધાતા સમાજ હોલ ખાતે યોજાયો હતો. કથા દરમિયાન સતત નવ દિવસ સુધી શિવ મહાપુરાણના વિવિધ પ્રસંગોનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવવામાં આવ્યું. કથા શ્રવણની સાથે દરરોજ પધારતા તમામ ભક્તો માટે ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરાઈ હતી. વ્યાસપીઠ પરથી જાણીતા કથાકાર ગિરિ બાપુએ પોતાની અમૃતવાણી દ્વારા શિવ ચરિત્ર અને તેના મહિમાનું સવિસ્તાર વર્ણન કર્યું. યુકેમાં સ્થાયી થયેલા મોટાભાગના ગુજરાતી પરિવારો તેમજ અન્ય ભારતીય સમુદાયના લોકોએ આ કથામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કોવેન્ટ્રી અને તેની આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. કથાકાર ગિરિ બાપુએ જણાવ્યું હતું કે, "શિવકથાના માધ્યમથી લોકોના હૃદયમાં મહાદેવ પ્રત્યે ભક્તિ પ્રજ્વલિત થાય તેવો પ્રયાસ કર્યો છે. હિતેશભાઈ મહેતા આ કથાના આયોજક છે અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાન મહાદેવની કથાનો લાભ લઈ રહ્યા છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, "શિવકથા જીવનનું અમૃત છે, શિવકથા મહાદેવનું દર્શન છે, શિવકથા આપણા માટે મોટું પુણ્ય છે. જ્યારે પણ અવસર મળે ત્યારે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવું જોઈએ. હર જીવ શિવ સુધી પહોંચે તેવા પ્રયાસો સાથે આ શિવ મહાપુરાણ કથાનું ગાયન કરું છું."
Read Original Article →