શંખેશ્વર પંપ પર ખેડૂતો-સંચાલકો સામસામે:ડીઝલની અછતનો આક્ષેપ, પંપ માલિકને ધમકીની ફરિયાદ

Gujarat5/26/2026, 1:11:35 PM
શંખેશ્વર પંપ પર ખેડૂતો-સંચાલકો સામસામે:ડીઝલની અછતનો આક્ષેપ, પંપ માલિકને ધમકીની ફરિયાદ
શંખેશ્વર તાલુકાના પંચાસર રોડ પર આવેલા રાજ પેટ્રોલિયમ પંપ પર ખેડૂતો અને સંચાલકો વચ્ચે ગંભીર ઘર્ષણ સર્જાયું છે. ખેડૂતો ડીઝલની કૃત્રિમ અછત અને સંગ્રહખોરીનો આક્ષેપ કરી રહ્યા છે, જ્યારે પંપ માલિકે ખેડૂત પરિવાર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળ્યાની ફરિયાદ કરી છે. આ મામલો શંખેશ્વર મામલતદાર અને પોલીસ મથકે પહોંચ્યો છે, જ્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. ખેડૂતોની રજૂઆત મુજબ, ઉનાળુ સિઝનમાં ખેતીકામ માટે ડીઝલની તાતી જરૂરિયાત હોવા છતાં તેમને રાત્રિથી લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે. તેમ છતાં, ઘણીવાર 'સ્ટોક નથી' કહીને તેમને પરત મોકલવામાં આવે છે. ખેડૂતોએ પંપ પર પીવાના પાણી અને શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓના અભાવ અને માપદંડ કરતાં ઓછું ડીઝલ અપાતું હોવાના પણ આક્ષેપો કર્યા છે. આ વિવાદ વકરતા શંખેશ્વર મામલતદાર નિલેશભાઈ પટેલે સ્થળ તપાસ કરી હતી અને નિયમ મુજબ ડીઝલ વિતરણ કરવા આદેશ આપ્યો હતો. મામલતદારના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન દરેકને ₹5,000નું ડીઝલ આપવાનું નક્કી કરાયું હતું. જોકે, પંપ સંચાલકોનો પક્ષ છે કે ખેડૂતો કેરબા લઈને આવતા હોવાથી તેઓ ડીઝલ આપતા નથી. બીજી તરફ, પંપના પ્રોપરાઈટર યતીનકુમાર નવીનચંદ્ર સંઘવીએ નરસંગ મુળા ગોહિલ અને તેમના પરિવાર સામે વહીવટી તંત્રને લેખિત ફરિયાદ કરી છે. તેમની ફરિયાદ મુજબ, નરસંગ ગોહિલના પુત્ર હિતેશ ગોહિલે પંપના કર્મચારી જવાનજી ખાનજી વાઘેલાને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સંચાલકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આ શખ્સો દ્વારા પંપના ગ્રાહકોના માલ-સામાનને પણ રોકવામાં આવ્યો હતો, જેને મામલતદારની મધ્યસ્થીથી છોડાવવો પડ્યો હતો. પંપ માલિક યતીનકુમાર સંઘવીએ સુરક્ષાના કારણોસર નરસંગ ગોહિલ અને તેમના પરિવારના પંપ પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. ભવિષ્યમાં પંપ સ્ટાફ કે મેનેજર મહાવીરસિંહ વાઘેલા પર કોઈ હુમલો કે લૂંટ જેવી અઘટિત ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી આ પરિવારની રહેશે તેવી લેખિત જાણ પાટણ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને પણ કરવામાં આવી છે. મામલતદાર નિલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બંને પક્ષો સામસામે આક્ષેપો કરી રહ્યા છે. આ મામલે પોલીસને તપાસ સોંપવામાં આવી છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે મુલાકાત દરમિયાન ₹5,000નું ડીઝલ આપવાનું નક્કી કરાયું હતું, પરંતુ લોકો કેરબા લઈને આવતા હોવાથી સંચાલકો ડીઝલ આપતા નથી તેવો પક્ષ પંપ સંચાલકોએ રજૂ કર્યો છે.
Read Original Article →