ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:કચરા નિકાલમાં કૌભાંડ, પ્રોસેસ કર્યો 76200 મેટ્રિક ટન, બતાવ્યો2.17 લાખ મે.ટન, એજન્સીને પાલિકાએ 6.32 કરોડ વધુ ચુકવ્યા
પાટણ નગરપાલિકાની માખણીયા ડમ્પિંગ સાઈટ પર શહેરમાંથી એકત્ર કરી ખડકાતા"લેગસી વેસ્ટ" (જૂના કચરા)ના નિકાલમાં એજન્સી દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ચીફ ઓફિસરની તપાસમાં આક્ષેપ કરાયો છે.જેમાં મશીનની ક્ષમતા કરતા ત્રણ ઘણું વધુ કામ બતાવી 6.32 કરોડના ખોટા બિલો ઉધારીને લીધેલ રકમ સાથે પાલિકાએ અમદાવાદની "નાગેશ કોર્પોરેશન" નામની એજન્સીને રૂ. 6.83 કરોડથી વધુની પેનલ્ટી અને વસૂલાતની નોટિસ ફટકારી છે. પાલિકાના કચરા નિકાલની કામગીરી કરનાર એજન્સીએ તેના રિપોર્ટમાં એવો દાવો કર્યો છે કે તેણે 25 ઓક્ટોબર 2024થી 1 માર્ચ 2025 સુધીના માત્ર 127 દિવસમાં 2.17 લાખ ટન કચરાનો નિકાલ કર્યો છે. જોકે, ચીફ ઓફિસની તપાસમાં સામે આવ્યું કે ડમ્પિંગ સાઈટ પર લગાવેલા મશીનોની મહત્તમ ક્ષમતા જોતા આ સમયગાળામાં વધુમાં વધુ 76,200 મેટ્રિક ટન કચરો જ પ્રોસેસ થઈ શકે. એટલે કે, એજન્સીએ મશીનની ટેકનિકલ કેપેસિટી કરતા 300% વધુ કામગીરી કાગળ પર બતાવીને નગર પાલિકા પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા છે. પાલિકાએ એજન્સીને 15 દિવસની મહેતલ આપી છે. જો આ રકમ જમા નહીં થાય, તો એજન્સી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો (IPC) હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવશે પરંતુ સવાલ એ છે કે શું માત્ર એજન્સી સામે જ કાર્યવાહી થશે કે ખોટા સર્ટિફિકેટ આપનાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે.
Read Original Article →