સરસ્વતી તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય:ટાઈ બાદ ચિઠ્ઠી ઉછાળી પ્રમુખ-ઉપપ્રમુખ નક્કી કરાયા, ગીતાબેન રબારી પ્રમુખ, રાહુલ ઠાકોર ઉપપ્રમુખ
પાટણ જિલ્લાની સરસ્વતી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી ભારે રસાકસી બાદ સંપન્ન થઈ છે. કુલ 24 બેઠકો ધરાવતી આ પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને 12-12 સભ્યોનું સંખ્યાબળ મળતા ટાઈની સ્થિતિ સર્જાઈ હતી. બહુમતી માટે 13 સભ્યોની જરૂરિયાત સામે બંને પક્ષો સમાંતર રહેતા, આખરે મામલતદાર અને ટીડીઓની અધ્યક્ષતામાં ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ડ્રો સિસ્ટમમાં ભાજપનું નસીબ ચમક્યું અને સરસ્વતી તાલુકા પંચાયતની સત્તા ભાજપે હસ્તગત કરી. આ પ્રક્રિયાના અંતે, ગીતાબેન રબારીની પ્રમુખ તરીકે અને રાહુલભાઈ ઠાકોરની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. પાટણ જિલ્લાની 9 તાલુકા પંચાયતોની ચૂંટણી પ્રક્રિયામાં સરસ્વતી તાલુકા પંચાયતની ચૂંટણી સૌથી વધુ રસપ્રદ રહી હતી. કુલ 24 સીટોમાંથી ભાજપ અને કોંગ્રેસ બંનેના ફાળે 12-12 સીટો આવતા કોઈ પણ પક્ષ સ્પષ્ટ બહુમતી માટે જરૂરી 13 સભ્યોનો આંકડો આંબી શક્યો ન હતો. સત્તા સ્થાપવા માટે બંને પક્ષો તરફથી રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આજરોજ ખાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મામલતદાર અને ટીડીઓની સીધી અધ્યક્ષતામાં સત્તાવાર નિયમોનુસાર આ પ્રક્રિયા શરૂ કરાઈ હતી. બંને પક્ષો પાસે એકસરખું સંખ્યાબળ હોવાથી લોકશાહીની પ્રક્રિયા અંતર્ગત મામલતદારની હાજરીમાં ચિઠ્ઠી ઉડાડીને વિજેતા નક્કી કરવાનો નિર્ણય લેવાયો. તંત્ર દ્વારા સભ્યોની સામે જ ડ્રોની પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં ચિઠ્ઠી ખુલતાની સાથે જ ભાજપના પક્ષમાં નિર્ણય આવ્યો.
Read Original Article →