સરસ્વતી તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઈ:પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણી પહેલા કોંગ્રેસે સભ્યોને ખાનગી સ્થળે ખસેડ્યા
પાટણ જિલ્લાની સરસ્વતી તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કુલ 24 બેઠકો ધરાવતી આ પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પાસે 12-12 સભ્યો હોવાથી ટાઈની સ્થિતિ સર્જાઈ છે. સભ્યોની તોડફોડ અટકાવવા કોંગ્રેસે પોતાના વિજેતા સભ્યોને ખાનગી સ્થળે ખસેડ્યા છે. આવતીકાલે પાટણ જિલ્લાની તમામ 9 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ચૂંટણી યોજાશે. સરસ્વતી તાલુકા પંચાયતમાં સત્તા કબજે કરવા માટે બંને પક્ષોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. 12-12 બેઠકોની સમાનતાને કારણે કોઈ પણ પક્ષ બહુમતી સાબિત કરવા માટે એક પણ સભ્ય આઘોપાછો ન થાય તેની વ્યૂહરચના ગોઠવી રહ્યો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા પાટણ અને સરસ્વતી તાલુકાના પોતાના તમામ સભ્યોને અજ્ઞાત અને ખાનગી સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ તમામ સભ્યો આવતીકાલે ચૂંટણીના સમયે જ એકસાથે સીધા તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોંચશે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપકભાઈ પટેલે જણાવ્યું હતું કે, 9 તાલુકા પંચાયતના કોંગ્રેસના વિજેતા સભ્યોને હાલમાં કેમ્પ કરી અલગ અલગ સ્થળે રાખવામાં આવ્યા છે. તેઓ આવતીકાલે ચૂંટણી સમયે જે તે તાલુકા પંચાયતમાં હાજર થશે. જિલ્લાની અન્ય તાલુકા પંચાયતોની સ્થિતિ પર નજર કરીએ તો, પાટણ તાલુકા પંચાયતની 20 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે 13 અને ભાજપ પાસે 7 બેઠકો છે. જ્યારે સિદ્ધપુર તાલુકા પંચાયતની 22 બેઠકો પૈકી કોંગ્રેસ પાસે 14 અને ભાજપ પાસે 7 બેઠકોનું સંખ્યાબળ છે. આ બંને પંચાયતોમાં કોંગ્રેસનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે, પરંતુ સરસ્વતીમાં કાંટે કી ટક્કર જોવા મળશે. સરસ્વતી તાલુકા પંચાયત માં બહુમતી માટે 13 જરૂરી,એક સભ્ય તોડવા પ્રયાસ થશે, અથવા ચિઠ્ઠી ઉછાળી નિર્ણય લેવાય છે તે ના પર સૌની નજર છે. આ બાબતે ભાજપ મહામંત્રી સંજય પટેલ જણાવ્યું હતું કે અમારા તમામ સભ્યો પાટણ માં છે અમે કોઈ કેમ્પ કર્યો નથી.
Read Original Article →