સાંતલપુરના પીપરાળામાં ઘર બહાર સૂતેલા દંપતીને તસ્કરોએ નિશાન બનાવ્યાં:45 હજાર રોકડ તેમજ 60 હજારની કિંમતની સોનાની ચેન લૂંટી ફરાર

Gujarat4/6/2026, 11:04:13 AM
સાંતલપુરના પીપરાળામાં ઘર બહાર સૂતેલા દંપતીને તસ્કરોએ નિશાન બનાવ્યાં:45 હજાર રોકડ તેમજ 60 હજારની કિંમતની સોનાની ચેન લૂંટી ફરાર
સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે ઘરની બહાર સૂતેલા એક વૃદ્ધ દંપતીને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો કુલ રૂ. 1,05,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરીમાં રૂ. 45,000 રોકડા અને રૂ. 60,000ની સોનાની ચેનનો સમાવેશ થાય છે. સાંતલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પીપરાળા ગામના 67 વર્ષીય દાનસંગજી પાંચાજી સમા તેમના પત્ની રત્નાબાઈ સાથે રાત્રિના સમયે ઘરની બહાર ખુલ્લામાં સૂતા હતા. રાત્રિના 10:00 વાગ્યાથી વહેલી સવારના 02:00 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ઘટના બની હતી. ચોરોએ દાનસંગજીના શર્ટના ખિસ્સામાં રાખેલા રૂ. 45,000 રોકડા અને તેમના પત્ની રત્નાબાઈના ગળામાં પહેરેલી આશરે રૂ. 60,000ની કિંમતની સોનાની ચેનની ચોરી કરી હતી. રાત્રિના આશરે બે વાગ્યે દંપતી જાગી જતાં તેમણે બે અજાણ્યા શખ્સોને ખેતરો તરફ ભાગતા જોયા હતા. વૃદ્ધ હોવાને કારણે દંપતી ચોરોનો પીછો કરી શક્યું ન હતું. સવારે તપાસ કરતાં ઘરની પાછળના રણ વિસ્તારમાં મોટરસાયકલના ટાયરના નિશાન મળી આવ્યા હતા. આ બનાવ અંગે દાનસંગજીએ મુંબઈ રહેતા તેમના પુત્રને જાણ કરી હતી. પુત્ર પીપરાળા આવી પિતા સાથે સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સાંતલપુર પોલીસે બી.એન.એસ. કલમ 303(2) અને 54 હેઠળ ગુનો નોંધી પોલીસ ઇન્સ્પેક્ટર નકુલકુમાર પંચાલને વધુ તપાસ સોંપી છે.
Read Original Article →