ચંદ્રુમાણા રામદેવપીર ધૂણામાં પાટ ભરાયો:સંત લાલદાસ બાપુના જીવન અને પ્રદાન પર વ્યાખ્યાન યોજાયું

Gujarat5/19/2026, 12:43:14 PM
ચંદ્રુમાણા રામદેવપીર ધૂણામાં પાટ ભરાયો:સંત લાલદાસ બાપુના જીવન અને પ્રદાન પર વ્યાખ્યાન યોજાયું
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા શ્રી રામદેવપીર ધૂણા ખાતે જેઠ સુદ બીજના રોજ રામદેવપીરના પાટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્રના સંત લાલદાસ બાપુના જીવનચરિત્ર અને પ્રદાન અંગે વ્યાખ્યાન યોજાયું હતું.આ જગ્યામાં દર માસની અજવાળી બીજે પાટ ભરવામાં આવે છે. મંગળવારે રાત્રે યોજાયેલા કાર્યક્રમમાં કુણઘેર નિવાસી કરસનજી ચેહરસંગ રાઠોડ પરિવાર યજમાન પદે રહ્યા હતા.ધૂણાના શ્રદ્ધેય મહેન્દ્રભાઈ વ્યાસે સંત શ્રી લાલદાસ બાપુ ઉર્ફે લાલ ગેબી મહારાજના જીવનચરિત્ર અને પ્રદાન અંગે રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું. મૂળ અમરેલી જિલ્લાના બાબરા ગામના વતની સંત લાલદાસ બાપુએ હાથીજણ, અમદાવાદ ખાતે ધૂણી ધખાવીને બાબા રામદેવપીરની ભક્તિધારામાં મહત્વનું પ્રદાન કર્યું હતું. મહેન્દ્રભાઈ વ્યાસે જણાવ્યું કે સંત લાલદાસ બાપુએ સમગ્ર ગુજરાતમાં રામદેવપીરની ધારાના વાહક તરીકે નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. તેમના પ્રયાસોથી હાથીજણમાં અમરધામ, જૂનાગઢમાં પ્રેરણા ધામ, સુરત પાસે રામમઢી સહિત ગુજરાતમાં અનેક ધર્મધજાઓ લહેરાવી રહી છે. તેમનો જન્મ ૧૯૨૪માં થયો હતો અને તેઓ ૨૦૦૧માં બ્રહ્મલીન થયા હતા. આ કાર્યક્રમમાં કલાકારો નિરંજનભાઈ દવે, વિષ્ણુભાઈ યોગી અને બળવંતસિંહ પરમારે ભક્તિભાવ રેલાવ્યો હતો. વિષ્ણુભાઈ મહારાજ દ્વારા પાટ ભરવામાં આવ્યો હતો. બાળ બેન્જોવાદક ચિરાગ દેવીપૂજક અને અન્ય સાજિંદાઓએ ભક્તિ સંગીતની રમઝટ બોલાવી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ કુણઘેર સહિત અન્ય વિસ્તારના લોકો સહભાગી થયા હતા.
Read Original Article →