સમીમાં સગીરા પર દુષ્કર્મ:યુવકે લગ્નની લાલચ આપી ગુનો આચર્યો, પોલીસ તપાસ શરૂ
પાટણ જિલ્લાના સમી તાલુકાના એક ગામમાં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગામના જ એક યુવકે સગીરાને ધાક-ધમકી આપી અવાવરુ જગ્યાએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ અંગે સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદ મુજબ, આ ઘટના 13 મે, 2026 ના રોજ રાત્રિના આશરે 2 વાગ્યે બની હતી. સગીરા પોતાના ઘરે સૂતી હતી ત્યારે આરોપી રાજુભાઈ કાળુભાઈ ઠાકોરે તેને ફોન કરીને ઘરની પાછળ બોલાવી હતી. આરોપીએ સગીરાને ધમકી આપી હતી કે જો તે તેની વાત નહીં માને તો તેમના ફોન પર વાતચીતની જાણ ગામના લોકોને કરી દેશે. આ બદનામીની બીક બતાવી આરોપી સગીરાને નજીકમાં આવેલી બાવળની ઝાડીઓમાં લઈ ગયો હતો. ત્યાં સવારના 5 વાગ્યા સુધી સગીરાને ગોંધી રાખી તેની મરજી વિરુદ્ધ બે વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. સગીરાએ હિંમત કરીને પરિવારને આ ઘટનાની જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સમી પોલીસે આરોપી રાજુભાઈ કાળુભાઈ ઠાકોર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2)એમ, 65(1) તથા પોક્સો એક્ટની કલમ 4(2), 5(એલ), 6, 11(4), 12 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. મોડિયા આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે.
Read Original Article →