રણુજ પાસે દારૂ ભરેલી કાર ઝડપાઈ, ચાલક ફરાર:પોલીસે 1749 બોટલ દારૂ, કાર સહિત 8.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પાટણ જિલ્લાના રણુજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે દારૂ ભરેલી એક નેક્ષોન કાર ઝડપી પાડી છે. પોલીસની નાકાબંધી જોઈને કારનો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે કાર અને દારૂ સહિત કુલ 8.21 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એલ.સી.બી. શાખા પાટણના વનરાજસિંહ રાણાજી અને સ્ટાફને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, નેક્ષોન ગાડીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ભરીને પાટણ-ઊંઝા હાઈવે પરથી નોરતા ગામ તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે રણુજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. ગાડિયા અને પોલીસ સ્ટાફે સરસાવ ગામના પાદરે પંચો સાથે નાકાબંધી કરી હતી. નોરતા ગામે સફેદ કલરની નેક્ષોન ગાડીને ઉભી રાખવા ઈશારો કરતા ચાલકે ગાડી રણુજ ગામ તરફ ભગાવી હતી. પોલીસે પીછો કરતા સરસાવ ગામ પાસે પોલીસની આડાશ જોઈ ચાલક ગાડી મૂકી અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 1749 બોટલો અને ટીન મળી આવ્યા હતા. આ દારૂના જથ્થાની કુલ કિંમત 3,21,858 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસ તપાસમાં વધુમાં ખુલ્યું હતું કે, ગાડી પર લગાવાયેલ નંબર પ્લેટ GJ-01-WK-1829 ખોટી હતી. ગાડીના ચેસીસ નંબર MAT627163JLH37562* ને એપ મારફતે ચેક કરતા તેનો અસલી રજીસ્ટ્રેશન નંબર GJ-18-BK-9799 હોવાનું જણાયું હતું. પોલીસે 5,00,000 રૂપિયાની કિંમતની નેક્ષોન ગાડી અને દારૂ મળી કુલ 8,21,858 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે રણુજ પોલીસે પ્રોહીબિશન એક્ટ અને બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફરાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →